દેશભરમાં આજે "પી.એમ.કિસાન ઉત્સવ દિવસ"ની ઉજવણી કરાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી, ઉત્તરપ્રદેશ ખાતેથી પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી હતી. રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.1118 કરોડથી વધુની રકમ હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ કરાયુ હતું. વડાપ્રધાન દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 20મો હપ્તો રીલીઝ કરવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં અંદાજે કુલ 4 લાખ ખેડૂતોને 20મા હપ્તા પેટે રૂ. 2000/- લેખે કુલ રૂ. 80 કરોડ સહાયની રકમ DBT મારફતે ચૂકવણી કરાઈ
આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. વર્ષ દરમિયાન દરેક ખેડૂતને રૂ. 6000ની સહાય ચૂકવણી કરવાનું કામ સરકાર દ્વારા કરાયું છે. બનાસકાંઠાના ડીસા સ્થિત માલગઢ ખાતેથી જિલ્લા પ્રભારી તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે જિલ્લા કક્ષાનો "પી.એમ.કિસાન ઉત્સવ દિવસ" ઉજવાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ "પી.એમ.કિસાન ઉત્સવ દિવસ" નું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતુ.
બનાસકાંઠાના અંદાજે 4 લાખ ખેડૂતોને રૂ. 2000 લેખે રૂ. 80 કરોડની સહાય ચૂકવણી કરાઈ
મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતો માટે પાણી, ખાતર, માર્કેટ ભાવ સહિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સરકારે કામ કરી રહી છે. બનાસકાંઠા જિલ્લો આજે કૃષિ, રોજગારી, પશુપાલન, આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે. આજે ખેડૂતો આધુનિક ખેતી કરી રહ્યા છે જેમાં ડ્રોન ટેકનોલોજી, નેનો યુરિયા, ખેડૂત પોર્ટલ થકી સમસ્યાનું નિવારણ થઈ રહ્યું છે.