બનાસકાંઠા જિલ્લામાં થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના મેન્ડેડ સામે ભાજપના પીઢ આગેવાન પોતાની પેનલ સાથે મેદાને ઉતર્યા છે. જો કે મેન્ડેડ ધારી પેનલને વિજય બનાવવા હવે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત બનાસ બેન્કના ચેરમેન મેદાને ઉતરતા રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી માળખાઓમાં ચૂંટણી પ્રક્રિયાઓ દૂર થાય અને બિનહરીફ વરણી થાય તેને લઈ મેન્ડેડ પ્રક્રિયા શરૂ કરાઈ છે અને સહકારી માળખાઓની ચૂંટણી સમયે ભાજપ દ્વારા મેન્ડેડ ફાળવી ઉમેદવારો નક્કી કરી તેમને બિનહરીફ ચૂંટાતા હોય છે.
ભાજપ થરા માર્કેટયાર્ડની ચૂંટણી બિનહરીફ કરાવવા માગતુ હતું
પરંતુ બનાસકાંઠાની થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપની મેન્ડેડ પ્રક્રિયા બાદ પણ રાજકારણ ગરમાયું છે. જેનું મુખ્ય કારણ છે ભાજપે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદા પટેલની પેનલને પડતી મૂકી તેની સામેની પેનલના તમામ મેન્ટેડ ફાળવી દેતા થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના પીઢ આગેવાન અણદા પટેલ જ હવે ભાજપના મેન્ડેડ સામે પોતાની પેનલને લઈને મેદાને ઉતર્યા છે. જોકે ભાજપ થરા માર્કેટયાર્ડની ચૂંટણી બિનહરીફ કરાવવા માગતુ હતું, પરંતુ ભાજપના આ નિર્ણય સામે ભાજપના જ આગેવાન મેદાને ઉતરી ગયા છે, જેને લઈ થરા માર્કેટયાર્ડમાં ચૂંટણીનો જંગ જામે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે આ ચૂંટણીના જંગમાં ભાજપના મેન્ડેડ ધારી ઉમેદવારો વિજય થાય તેને લઈ જિલ્લા ભાજપના પ્રમુખ સહિત બનાસ બેન્કના ચેરમેન મેદાને ઉતરી ગયા છે.
ભાજપના મેન્ડેડ ધારી ઉમેદવારો સામે લડી લેવાના મૂડમાં
આજે થરાના ખસા ગામ નજીક જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા અને બનાસ બેન્કના ચેરમેન ડાયા પીલિયાતરની આગેવાનીમાં થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈ ખેડૂત સંમેલન યોજાયું છે. જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ અને બનાસ બેન્કના ચેરમેને ભાજપના મેન્ડેડ ધારી ઉમેદવારોને થરા માર્કેટ યાર્ડમાં જીતાડવા હાંકલ કરી છે તો બીજી બાજુ ભાજપના પીઢ આગેવાન અણદા પટેલની પેનલનું એક પણ મેન્ડેડ ન આવતા તેઓ પણ ભાજપના મેન્ડેડ ધારી ઉમેદવારો સામે લડી લેવાના મૂડમાં છે. જોકે થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈ અત્યારે તો તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 30મી જૂને થરા માર્કેટયાર્ડનો ચૂંટણી જંગ ખેલાશે, ત્યારે હવે જોવું રહ્યું કે આ ચૂંટણી જંગમાં પૂર્વ ચેરમેન અણદા પટેલની પેનલ મેદાન મારે છે કે પછી ભાજપની મેન્ડેડ ધારી પેનલ.