બનાસકાંઠા જિલ્લાના થરાદ-વાવ હાઇવે પર આજે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સંકળાયેલો એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ચારડા ગામ નજીક થરાદના SDM (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ)ની કાર અને એક જીપ કાર વચ્ચે ટક્કર થતાં કુલ 4 લોકોને ઇજા પહોંચી હતી. થરાદના SDM સાજણ મેર થરાદથી વાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. SDMની કાર અને સામેથી આવતી એક જીપ કાર વચ્ચે ટક્કર થતાં અકસ્માતની ગંભીરતા વધી હતી.
થરાદ-વાવ હાઇવે પર ચારડા નજીક અકસ્માત
ટક્કરના કારણે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતમાં SDM સાજણ મેર પોતે અને તેમની ગાડીના ચાલકને ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત જીપ કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને પણ ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ તમામ 4 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે થરાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.













