સમગ્ર બનાસ ડેરીની ચૂંટણીમાં 16 બેઠકોમાંથી 15 બેઠકો ભાજપના મેન્ડેટ પર પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી. જોકે, માત્ર દાંતા બેઠક પર વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ દ્વારા બળવો કરવામાં આવતા આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ બળવાને કારણે જ અમરત પરમાર અને દિલીપસિંહ બારડ વચ્ચે સીધો જંગ થયો હતો. આજે સવારે 9 વાગ્યે જિલ્લા કલેક્ટર કચેરીમાં આ બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, અને ગણતરી બાદ તરત જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
મેન્ડેટ ધારી ઉમેદવાર અમરત પરમારનો વિજય
દાંતા બેઠકનું પરિણામ મેન્ડેટ ધારી ઉમેદવાર અમરત પરમારની તરફેણમાં આવ્યું છે. અમરત પરમારને કુલ 85 મતમાંથી જંગી 55 મત મળ્યા હતા, જ્યારે બળવાખોર દિલીપસિંહ બારડનો પરાજય થયો હતો. અમરત પરમારની આ જીતને કારણે બનાસ ડેરીના સંચાલનમાં ભાજપનો મેન્ડેટ જ સર્વોપરી છે તે વાત ફરી એકવાર સાબિત થઈ છે. આ પરિણામે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે સહકારી ક્ષેત્રમાં પણ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનારાઓને સફળતા મળતી નથી.













