બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લેડાઉ અને જમડા ગામોમાં વરસાદી પાણી ભરાવાના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. મુખ્ય રસ્તાઓ પર કેડ સમા પાણી ભરાયેલા હોવાથી છેલ્લા એક મહિનાથી વધુ સમયથી આ બંને ગામના લોકો સંપર્ક વિહોણા બની ગયા છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પીવાના પાણી અને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે હાલાકી
ભારે વરસાદના પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે ગામના મુખ્ય રસ્તાઓ અને પ્લોટ વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. જેના કારણે ગામ અને પ્લોટ વિસ્તારના લોકો એકબીજાથી તૂટી ગયા છે. ગ્રામજનોને પીવાનું પાણી અને અન્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા માટે સામાન્ય રસ્તાને બદલે 14 કિલોમીટર જેટલું લાંબું અંતર કાપવું પડી રહ્યું છે. આ વરસાદી પાણીને લઈને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.













