ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો સારો વરસાદ રહ્યો. રાજ્યમાં સિઝનના આરંભે જ સરેરાશ 40થી વધુ વરસાદ નોંધાયો. વરસાદના કારણે નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી. જો કે વરસાદી પાણી ભરાવાના કારણે રસ્તાઓ બિસ્માર બન્યા. રસ્તાઓ પર ખાડા અને ગાબડાં પડતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તંત્ર દ્વારા રસ્તાઓના સમારકામ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. વારંવાર રસ્તાઓ પર ખાડા પડવાની સમસ્યાને લઈને ભરૂચમાં એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આ પાયલોટ પ્રોજેક્ટમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રસ્તાઓ તૈયાર કરવામાં આવશે.
રસ્તાઓ બનાવવા ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ
ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. 50 કરોડની મંજૂરી આપાઈ છે. આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પેથહોલ્સની સમસ્યા નાબૂદ થશે.
આ ટેકનોલોજી પર્યાવરણને અનુકૂળ
પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ હેઠણ જંબુસર તાલુકાના ટંકારીય બંદરથી દેવલા રોડનુ કાર્ય શરૂ કરવામાં આવ્યું. ટંકારીથી દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઇ રહીયો છે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે તેવું લોકોનું અનુમાન છે. હાલ દેવલા ગામ પાસે 500 મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.