ભરૂચમાં વરસેલા ભારે વરસાદ બાદ હવે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આમોદમાં સમની ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે, જેને પગલે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણીનો નિકાલ ન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેતરમાં વાવેતર કરેલો પાક પણ નિષ્ફળ સાબિત થયો છે.
રેલવે અને એક્સપ્રેસવેની હાઈટ ઉંચી થતા પાણી ભરાયા
રેલવે અને એક્સપ્રેસ-વેની વચ્ચે આવેલા ખેતરો પાણી-પાણી થયા છે. એક બાજુ રેલવેની હાઈટ ઉંચી કરવામાં આવી છે તો બીજી બાજુ એક્સપ્રેસ-વેની હાઈટ ઉંચી થતા ખેતરો તળાવમાં ફેરવાયા છે. ખેતરોમાંથી પાણીનો નિકાલ કરવા ખેડૂતોની માગ ઉઠી છે. બીજી તરફ ભરૂચના ઝઘડિયામાં સરકારનું કામ બાળકોએ કર્યું છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU ધોરીમાર્ગના મરામત બાબતે તંત્ર બેફિકર છે પણ ભારતના ભવિષ્ય એવા સારસા ગામના વિદ્યાર્થીઓ દ્વારા માર્ગમાં મોટો ખાડો જોતા જાતે પુરી રાષ્ટ્ર સેવા ઉજાગર કરી છે. આ સિવાય વિદ્યાર્થીઓ ખાડામાં પડેલી ગાડીને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા. પહેલા જ વરસાદમાં SOUને જોડતો ઝઘડિયા તાલુકાનો રસ્તો બિસમાર હાલતમાં છે.
2 અને 3 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી
બીજી તરફ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડશે. ભારે પવન-વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં વરસાદનું યલો એલર્ટ છે.