સરકાર ભલે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાની વાતો કરતી હોય પરંતુ ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉછેડિયા ગામમાં અલગ જ વાસ્તવિકતા છે.જ્યાં ખેડૂતો ખેતી કરવા ખાડીમાં ધસમસતા કમર સમા પાણી પાર કરી જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.છેલ્લા 10 વર્ષથી પુલ બનાવવા માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી.


ઉચેડિયા ગામ 2500 જેટલી વસ્તી ધરાવે છે

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં ખેડૂતોને સુવિધા આપવામાં તથા ખેડૂતોને ચોમાસા દરમ્યાન થતા જમીન ધોવાણ અટકાવવા માટેના પગલા જવાબદાર વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવતા નથી.ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં જમીન ધોવાણનો ખૂબ મોટો પ્રશ્ન છે. જેનું કોઈ નિરાકરણ ઝઘડિયા તાલુકાની નેતાગીરી લાવી શકી નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામ 2500 જેટલી વસ્તી ધરાવે છે અને અહીંના ખેડૂતોની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છે.અહીં નાની મોટી ઘણી ખાડીઓ નર્મદાને મળતી હોય છે.

નર્મદા કાંઠાની સીમની જમીનો વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે

ઉચેડિયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીનો વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે.ચોમાસા દરમ્યાન આ ખાડી પસાર કરવા માટે ખેડૂતો અને પશુ પાલકોએ જીવનું જોખમ ખેડવું પડતું હોય છે. ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચેડિયા વાળી ખાડીમાં ખૂબ મોટા પાયે પાણીનો પ્રવાહ વહેતો હોય છે. ત્યારે આવા સમયે ખેડૂતો અને પશુપાલકોએ તેમની કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડતા હોય છે.

ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી

ઉચેડિયા ગામના ખેડૂત ભગવાનભાઈ પટેલે કહ્યું હતું કે, ખેડૂતો દર ચોમાસા દરમ્યાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ઢાંખર પસાર કરવા મજબૂર બનતા હોય છે.વરસાદ વધુ હોય તો ખેતી અધૂરી મૂકી પાછું ફરવું પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે, ઉચેડિયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા છેલ્લા 10 વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી છે. છેલ્લા 10 વર્ષ દરમ્યાન 5 થી 7 વખત અધિકારીઓને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે.તેમ છતાં તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

પુલની માંગણી કરવામાં આવી છે તે સંતોષાતી નથી

ઉચેડિયા ગામના સરપંચ મહેશ વસાવાએ કહ્યું હતું કે, ઉચેડિયાના ગ્રામજનો દ્વારા છેલ્લા 10 વર્ષથી ગામ અને સીમની વચ્ચે પુલની માંગણી કરવામાં આવી છે તે સંતોષાતી નથી અને નેતાઓના વાયદાઓ વાયદા જ રહી ગયા છે.ત્યારે સત્વરે ઉચેડિયા ગામ અને સીમ વચ્ચે નાનકડો પુલ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો તથા ખેડૂતો કરી રહ્યા છે.ત્યારે જોવું એ રહ્યું કે તેઓની આ માંગ કયારે સ્વીકારાય છે અને નાનકડો પુલ બને છે.


  • Follow us on: