ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા પુરસા ગામમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદી પાણી ગામના મુખ્ય માર્ગો પર ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તા સંપીર્ણ પણે બંધ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક ઘટનામાં ગામના એક વ્યક્તિને ઈજા થતા તેને હોસ્પિટલ પહોંચાડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પુરસા ગામના ઈકબાલ મલેક નામનો વ્યક્તિ પડી જવાથી તેના પગમાં ફ્રેક્ચર થયું હતું.
ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ સુધી પહોંચવામાં મુશ્કેલી
ઈજા ગંભીર હોવાથી તાત્કાલિક સારવારની જરૂર હતી. પરિવારે અને ગ્રામજનોએ તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. જોકે ગામ તરફ જતો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી ન હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ગ્રામજનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ઈકબાલ મલેકને હોસ્પિટલ પહોંચાડવા માટે તેમણે અનોખી યુક્તિ અપનાવી. તેમને ખાટલા પર સુવડાવીને ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા.













