ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આજે થયેલા ભારે વરસાદના કારણે છીદ્રા ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં અંદાજે 150થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. સ્થાનિક તંત્ર અને રાહત ટીમો દ્વારા ફસાયેલા લોકોનું તાત્કાલિક રેસ્ક્યુ કરીને તેમને ગામની શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. રાતથી જ જંબુસર પંથકમાં વરસાદનું જોર વધ્યું હતું.


ભારે વરસાદથી છીદ્રા ગામમાં ભરાયા પાણી

સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે છીદ્રા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. જોતજોતામાં પાણીનું સ્તર એટલું વધી ગયું હતું કે લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાશન, ઘરવખરી અને અન્ય માલસામાનને મોટા પાયે નુકસાન થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

નીચાણવાળા વિસ્તારોમાંથી 150થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા

પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક સ્વયંસેવકોની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. દોરડા અને નાની બોટનો ઉપયોગ કરીને ફસાયેલા લોકોને એક પછી એક બહાર લાવવામાં આવ્યા હતા. જે 150થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને ગામની સરકારી શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં તેમના માટે ભોજન, પીવાના પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

  • Follow us on: