ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડ કેસમાં અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ચાર આરોપીઓમાં મુખ્ય આરોપી હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવા શામેલ છે. તેની સાથે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાળી, મુરલીધર એન્ટરપ્રાઈઝના જોધા સંભાડ પણ સામેલ છે.


આરોપીઓના મેડિકલ ટેસ્ટ 

આ આરોપીઓને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લાવવામાં આવ્યા હતા. પોલીસના બંદોબસ્ત વચ્ચે તમામ આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.મેડિકલ તપાસ બાદ હવે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરી પોલીસે રિમાન્ડ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચમાં મનરેગા કાંડે વિવાદનો મધપૂડો છંછેડયો છે. ભરૂચમાં કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડ 

મનરેગામાં કોંગ્રેસ નેતાની સંડોવણી હોવાનું સામે આવતા કાયદાકીય કાર્યવાહી કરતા કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવા બાદ તેમના પુત્ર દિગ્વિજયની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. આ કૌભાંડના તાર ક્યાં સુધી વિસ્તરેલા છે તે જાણવા હિરા જોટવા સહિત તેમના પુત્ર દિગ્વિજયની પણ અટકાયત કરવામાં આવી છે. મનરેગા કૌભાંડના પર્દાફાશ બાદ કાર્યવાહી કરતા કરાર આધારિત કર્મચારીઓને સેવામાંથી દૂર કરાયા છે. મનરેગા કૌભાંડ મામલે APO,ટેકનિકલ આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટ સહિત 21 કર્મી સેવામાંથી દૂર કરાયા છે.


  • Follow us on: