ભાવનગરના પાલિતાણા ખાતે આવેલી સદવિચાર હોસ્પિટલમાં એક 11 વર્ષના બાળકનું ડોક્ટરની ઘોર બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી અને પરિવારમાં ભારે શોક અને રોષ જોવા મળ્યો હતો. 11 વર્ષના આ બાળકને પેટમાં સામાન્ય દુઃખાવો થતાં તેને ગારિયાધાર રોડ પર આવેલી આ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


સદવિચાર હોસ્પિટલની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ

પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટર અને સ્ટાફની બેદરકારી અને અયોગ્ય સારવારના કારણે તેમના એકમાત્ર વાહલસોયા દીકરાનું મૃત્યુ થયું છે. બાળકનું મોત થતાં જ પરિવારજનો અને સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ પર ધસી આવ્યા હતા અને ડોક્ટર તેમજ સ્ટાફ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો કર્યો હતો. આ સામાન્ય વર્ગના પરિવારે પોતાના દીકરાને ગુમાવતાં શોકમાં ડૂબી ગયો છે.

ડોક્ટર અને સ્ટાફ સામે કાર્યવાહી કરવા પરિજનોની માંગ

જોકે આ સમગ્ર મામલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મીડિયા સમક્ષ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ રોષે ભરાયેલા પરિવારે મૃત બાળકનું પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી ન કરવાની વાત કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર ખાનગી હોસ્પિટલોમાં થતી બેદરકારી અને દર્દીની સલામતીના મુદ્દાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.


  • Follow us on: