ભાવનગર શહેરના રૂપમ ચોક વિસ્તારમાં આવેલી જય ખોડિયાર નાસ્તાની દુકાન પર હિંમતભરી ધમકીઓ આપવાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં એક શખ્સે દુકાન પર આવીને વેપારીને છરી બતાવીને ધમકીઓ આપી હતી, જેના કારણે દુકાનધારક અને આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દુકાનધારકે આ મામલે સહેજ પણ વિલંબ કર્યા વિના ગંગાજળિયા પોલીસ મથકમાં અલ્ફાઝ ઉર્ફે અલ્તાફ શેખ નામના શખ્સ સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.


ભાવનગરમાં અસામાજિક તત્વને કાયદાનું ભાન 

ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગંગાજળિયા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી અલ્ફાઝ ઉર્ફે અલ્તાફ શેખને ઝડપી પાડી કાયદાના સકંજામાં લીધો હતો. પોલીસે આરોપીને પકડ્યા બાદ, ગુનાની ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આરોપીને ઘટનાસ્થળ એટલે કે જય ખોડિયાર નાસ્તાની દુકાન પાસે લાવવામાં આવ્યો હતો.

પોલીસે આરોપીને ઘટનાસ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું

આ પ્રક્રિયા જોવા માટે લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. પોલીસે જાહેરમાં રી-કન્સ્ટ્રક્શન કરાવીને આવા અસામાજિક તત્વોને કડક સંદેશો આપ્યો હતો કે કાયદાનું ઉલ્લંઘન કરનારને છોડવામાં નહીં આવે. ભાવનગર પોલીસે સમયસર અને કડક કાર્યવાહી કરીને વેપારીઓને સુરક્ષાનો ભરોસો આપ્યો છે, જ્યારે અસામાજિક તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને કોઈ સ્થાન નથી. પોલીસે આ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

  • Follow us on: