નવરાત્રિના પાવન પર્વ દરમિયાન એક તરફ ભક્તિ અને ઉલ્લાસનો માહોલ છે. ત્યાં બીજી તરફ ભાવનગરમાં બનેલી એક ઘટનાએ યુવતીઓની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે. એક ખાનગી નવરાત્રિ આયોજનમાં ગરબા રમવા ગયેલી યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો છે. જેના પગલે ચકચાર મચી ગઈ છે. આ ઘટના ભાવનગરના એક પ્રોફેશનલ ગરબાના આયોજન સ્થળે બની હતી.
ખાનગી નવરાત્રિમાં ગરબા રમવા ગયેલી યુવતીની છેડતી
યુવતી ગરબા રમીને પાર્કિંગમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે જીગ્નેશ ચૌહાણ નામના યુવાને તેનું બાવડું પકડી છેડતી કરી હતી. આ ઘટનાથી ગભરાયેલી યુવતીએ હિંમત દાખવીને તાત્કાલિક ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી જીગ્નેશ નિલેશભાઈ ચૌહાણ જે ભાવનગરના આનંદનગર વિસ્તારનો રહેવાસી છે તેને ઝડપી લીધો હતો.













