ભાવનગર શહેર નજીક આવેલા નારી દસનાળા પાસે જૂની અદાવતને કારણે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં હાર્દિક નામનો યુવક સમાધાન માટે ગયો હતો પરંતુ ત્યાં હાજર ઈસમોએ તેના પર હુમલો કર્યો અને કાર ચડાવી દીધી હતી. જેના પરિણામે ગંભીર ઈજાઓ થવાથી તેનું મૃત્યુ થયું. પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરના નારી દસનાળા પાસે હાર્દિકને જૂની અદાવતનું સમાધાન કરવા માટે બોલાવવામાં આવ્યો હતો.


નારી દસનાળા નજીક બન્યો હત્યાનો બનાવો

પરંતુ સમાધાનને બદલે જૂની દાઝ રાખીને સમાધાન કરવા આવેલા ઈસમોએ હાર્દિક પર કાર ચડાવી દીધી હતી. કારની અડફેટે આવવાથી હાર્દિકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેના કારણે આ બનાવ હત્યામાં પલટાઈ ગયો. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પરિવારજનો અને મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા.

પોલીસે હત્યાને લઇ વધુ તપાસ હાથ ધરી

પરિવારજનોમાં ભારે શોક અને રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વરતેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ ફેલાયો છે.


  • Follow us on: