ભાવનગરના મહુવા ખાતે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે અનોખો વિરોધ નોંધાયો છે. મહુવા APMCના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલ અને સ્થાનિક વેપારીઓ સહિતના લોકોએ શાક માર્કેટના ગટરના ગંદા અને ઉભરાતા પાણીમાં બેસીને નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મહુવા શાક માર્કેટ વિસ્તારમાં લાંબા સમયથી ગટરના પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા છે.
પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલ ગટરના પાણીમાં બેઠા
ડ્રેનેજના આ ગંદા પાણી જાહેર રસ્તાઓ પર વહી રહ્યા છે. જેના કારણે માર્કેટમાં આવતા વેપારીઓ, ગ્રાહકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શાકભાજી વેચતા ફેરિયાઓ માટે આ દૂષિત પાણીમાં વેપાર કરવો અસહ્ય બની ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ કે કાયમી કામગીરી કરવામાં આવી નથી.













