ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા કરતી વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. જ્યાં શહેરના બોરતળાવ પોલીસ મથક વિસ્તારમાં પિતા-પુત્ર પર લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટના આખલોલ જકાતનાકા પાસે આવેલી સંસ્કાર સ્કૂલ નજીક બની હતી. અહીં રહેતા ગોવિંદભાઈ પરમાર અને તેમના પુત્ર પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.


4 લોકોનો પિતા-પુત્ર પર લોખંડના પાઇપથી હુમલો

પોલીસ ફરિયાદ મુજબ હુમલો કરનાર શખ્સો ગોવિંદભાઈના પુત્રવધૂના ભાઈઓ હતા. એટલે કે આ ઘટના પારિવારિક વિવાદને કારણે બની હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે ચાર શખ્સોએ ગોવિંદભાઈ અને તેમના પુત્રને ઘેરી વળ્યા હતા અને લોખંડના પાઈપ વડે તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પિતા-પુત્રને ઢોર માર માર્યો હતો. જેના કારણે તેમને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ગોવિંદ પરમાર પર તેમના સગાઓનો હુમલો

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગોવિંદભાઈ પરમારે આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ પ્રકારની મારામારીની ઘટનાઓથી શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો પોલીસ પાસે કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા હતા.


  • Follow us on: