ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ ટ્રેન વ્યવહાર પર મોટી અસર પડી છે. ભાવનગર ડિવિઝનની ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનની સણોસરા-સિહોર-પાલિતાણા સેક્શન વચ્ચે ભારે વરસાદને કારણે ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ત્યારે પાલિતાણા -ભાવનગર અને ભાવનગર - પાલીતાણા ટ્રેન સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. ટ્રેન નં. 59270 ભાવનગર -પાલિતાણા પેસેન્જર ટ્રેન અને ટ્રેન નં. 59269 પાલિતાણા -ભાવનગર પેસેન્જર ટ્રેન રદ્દ કરવામાં આવી છે. આજે એક દિવસ માટે રેલવે વિભાગ દ્વારા ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
સિહોરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ભાવનગરના સિહોરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. સિહોર ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા લોકોને હાલાકી પડી રહી છે. કેટલાક વાહનો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. તળાવ ઓવરફ્લો થતા પાણી સોસાયટીઓમાં ઘૂસ્યા છે. સિહોર તાલુકાનું દેવગાણા ગામ બે ભાગમાં વહેંચાયું છે, સિહોર તાલુકાનું મેઘવદર ગામની નદીનો પાળો તૂટ્યો છે. ત્યારે ભાવનગરનું ગૌરીશંકર સરોવર પણ પાણીથી છલકાયુ છે. ભારે વરસાદથી સરોવરમાં પાણીની આવક થઈ છે. ભીકડા કેનાલથી પાણી સરોવરમાં ઠલવાયુ છે. તળાવની સપાટીમાં 1.5 ફૂટનો વધારો નોંધાયો છે. ગૌરીશંકર તળાવની સપાટી 30 ફૂટે પહોંચી છે. ગૌરીશંકર તળાવ 43 ફૂટે ઓવરફ્લો થાય છે.
ભાવનગરના મહુવામાં માલણ નદી બે કાંઠે
બીજી તરફ ભાવનગરના મહુવામાં માલણ નદી બે કાંઠે થઈ છે. માલણ નદી પરનો માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ છે. ભાદરોડ ઝાંપા વિસ્તારમાં પાણી ભરાયા છે. નવાઝાપા, કમ્પોસ વિસ્તારમાં પાણી ભરાયા છે. ઈંટના ભઠ્ઠી વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરોમાં કેડસમા પાણી ભરાયા છે. ત્યારે સિહોરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. તાના ચોકડી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કેટલાક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણી ભરાતા રસ્તાઓ પર વાહનો અટવાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.