જુનાગઢના ગિરનાર પર્વત ઉપર ગૌરક્ષનાથ મંદિર પ્રતિમા તોડફોડ મામલે પાલીતાણામાં સાધુ સંતોએ ઉગ્ર રજૂઆત કરી હતી. અને આ કૃત્ય કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી
પાલીતાણા શહેરમાં સાધુ સંતો સહિત આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું
જુનાગઢ ગિરનાર પર્વત ગૌરક્ષનાથ મંદિર પ્રતિમા તોડફોડ મામલે આજે પાલીતાણા શહેરમાં સાધુ સંતો સહિત આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જુનાગઢના ગિરનાર પર્વત પર સંતોની મૂર્તિ ખંડિત મામલે આવેદન અપાયું હતું.
કૃત્ય કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી
સાધુ સંતો અને આગેવાનોએ આ કૃત્ય કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી અને ધાર્મિક મંદિરો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવા પણ માંગ કરી હતી. સાધુ સંતો આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
મંદિર અને પ્રતિમાની તોડફોડ થઇ હતી
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ગિરનાર પર્વત પર 5500 પગથિયા પાસે આવેલા ગુરુ ગોરખનાથ શિખર પર મંદિર અને પ્રતિમાની તોડફોડ થઇ હતી. ગિરનાર પરિક્રમા માર્ગ પર આવેલી નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા પર કેટલાક લોકોએ તોડફોડ કરી હતી જેના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. અજાણ્યા શખ્સોએ તોડફોડ કરવાની સાથે તમામ વસ્તુઓને પણ વેરવિખેર કરી દીધી હતી
ગુરુ ગૌરક્ષનાથની નવી મૂર્તિની શાસ્ત્રોક્ત વિધીથી પ્રાણ પ્રતિષ્ઠા
આ મામલે જિલ્લા પોલીસે ઉંડી તપાસ શરુ કરી છે અને 10 થી વધુ શખ્સોની પૂછપરછ કરાઇ હતી તો જિલ્લા વહિવટી તંત્રએ સાધુ સંતોની હાજરીમાં ગુરુ ગૌરક્ષનાથની નવી મૂર્તિની શાસ્ત્રોક્ત વિધીથી પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાવી હતી. આ મામલે પાલીતાણાના સાધુ સંતો અને આગેવાનોએ પણ આ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી.