ભાવનગરના પાલીતાણાથી હસ્તગિરી જતાં રોડ પર એક કરુણ અકસ્માત સર્જાયો છે. પીપરડી ગામની મહિલાઓ ગણેશ વિસર્જન માટે જઈ રહી હતી. ત્યારે ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવતા વાહન પલટી મારી ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. જ્યારે અન્ય 8 થી 10 મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. પીપરડી ગામની મહિલાઓ ગણેશ વિસર્જન કરવા માટે પાલીતાણાથી હસ્તગિરી તરફ જઈ રહી હતી.


પીપરડી ગામની મહિલાઓ ગણેશ વિસર્જન માટે ગઇ હતી

ત્યારે ડ્રાઈવરે વાહન ચલાવતી વખતે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે વાહન રોડ પર પલટી મારી ગયું. અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનમાં સવાર મહિલાઓએ ચીસાચીસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે વાહનમાં ફસાયેલી ઈજાગ્રસ્ત મહિલાઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે ખસેડવામાં આવી

તમામ ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ કરુણ ઘટનાની જાણ થતાં જ કોળી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.  

  • Follow us on: