પાલીતાણાની જનતાને શુદ્ધ પાણી પીવા માટે પૂરું પાડવું તે સરકાર અને નગરપાલિકાની જવાબદારી હોય છે છતાં જનતાને ડહોળું અને બીન પીવાલાયક પાણી વિતરણ થઈ રહ્યું છે. નગરપાલિકા પાસે બે ફિલ્ટર પ્લાન્ટ છે, પરંતુ આ બંને ફિલ્ટર પ્લાન્ટ બંધ છે કામ કરતા નથી. આથી જનતાને ફિલ્ટર કર્યા વગરનું પાણી મળી રહ્યું છે. પાલીતાણા શહેરની વસ્તી અંદાજે 75,000ની છે, આ ઉપરાંત યાત્રિકોની મોટી સંખ્યામાં જોવા મળે છે, શહેરમાં દરરોજ 11 એમએલડી પાણીની જરૂરિયાત છે જેની સામે નગરપાલિકા દ્વારા 9 એમએલડી પાણી ખેંચવામાં આવે છે.
પાણીમાં લીલ જામી ગયેલી અને ડહોળું પાણી જોવા મળ્યું
પાલીતાણાની જનતાને નળમાં આવતું પાણી દુર્ગંધવાળું અને ડહોળું હોય છે. પાલીતાણામાં જીવાપર પંપિંગ સ્ટેશન ખાતે બે ફિલ્ટર પ્લાન્ટ આવેલા છે, જે હવે જર્જરીત થઈ ગયેલા છે અને બંધ પડયા છે. જેથી ફિલ્ટરનો પ્રશ્ન પેચીદો બન્યો છે. પાલીતાણાવાસીઓના આરોગ્યને સીધી અસર કરે તેવા પાણી શુદ્ધિકરણના કામમાં વરસોથી લોલમલોલ ચાલી રહ્યું છે. પાણીએ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા તેના શુદ્ધિકરણ તથા વિતરણમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેનો બોલતો પુરાવો જીવાપુર ખાતે આવેલો ફિલ્ટર પ્લાન્ટ છે. જે પ્રશ્ન મામલે સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું તો પાણીના ફિલ્ટર પ્લાન્ટની દયનીય સ્થિતિ જોવા મળી હતી. પાણીમાં લીલ જામી ગયેલી અને ડહોળું પાણી જોવા મળ્યું હતું. પાલીતાણા શેત્રુંજી નદીમાંથી ઉપાડવામાં આવતા પાણીને જીવાપર ફિલ્ટર પ્લાન્ટમાં લાવવામાં આવે છે અને ત્યાંથી પાણી શુદ્ધ કરીને શહેરમાં આપવાનું હોય છે, પાણી શુદ્ધિકરણ માટેના બંને ફિલ્ટર પ્લાન્ટ કામ આપતા નથી.
ક્યારે હલ થશે જનતાનો પ્રશ્ન?
જીવાપુર ખાતે પાણીની સ્કીમ આવેલી છે ત્યાં એક મોટો સંપ બનાવવાની જરૂર છે. આ સંપમાં પાણી સંગ્રહ કરી પછી પાણી ફિલ્ટર કરવું જોઈએ તેવી માગ શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને વિપક્ષ નેતા કિરીટ સાગઠીયા દ્વારા માગ કરવામાં આવી છે અને ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત પણ કરવામાં આવી હતી. ત્યારે સત્તાધિશો વહેલી તકે આ પ્રશ્નનો નિરાકરણ લાવે તેવી માગ ઉઠી છે તો સમગ્ર મામલે નગરપાલિકાના સત્તાધિશો આ મામલે નિવેદન આપવાથી પણ ડરી રહ્યા છે અને કંઈ કહેવા માગતા નથી. ત્યારે પાલીતાણા શહેરમાં ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી ડહોળું પાણી વિતરણ થઈ રહ્યું છે, જેને લઈને પાણીજન્ય રોગચાળો ન ઉદ્ભવે તે માટે પગલા ભરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. હવે જોવું રહ્યું કે વર્ષો જૂનો આ પ્રશ્ન સત્તાધિશો અને સરકાર ક્યારે હલ કરે છે.