ભાવનગરમાં આજે શ્રાવણ માસની સાતમ એટલે કે શીતળા સાતમની ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર નિમિત્તે શહેરના ઘોઘા રોડ પર આવેલા મોટા શીતળા માતાના મંદિરે વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી. મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ ઘરેથી ઠંડું ભોજન લઈને આવ્યા હતા. કારણ કે આ દિવસે ગરમ ખોરાક રાંધવામાં આવતો નથી અને શીતળા માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે.


આસ્થા અને ભક્તિના આ પર્વ નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું

ભક્તોએ માતાજીને કુલર અને અન્ય પ્રસાદીઓ ધરી હતી. ત્યારબાદ પોતે પણ તે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આસ્થા અને ભક્તિના આ પર્વ નિમિત્તે અહીં એક લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં બાળકો માટે વિવિધ પ્રકારની રાઈડ્સ અને રમકડાંના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે બાળકો અને પરિવારોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. મેળામાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. શીતળા સાતમની એક પરંપરા મુજબ જે પરિવારોમાં ઘરે પારણું બંધાયું હોય એટલે કે જેમને ત્યાં સંતાન જન્મ્યું હોય તે પરિવારો દ્વારા માતાજીને પારણું ધરવામાં આવે છે.

પોલીસ દ્વારા મંદિર અને મેળાના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયું

આ પરંપરા અનુસાર મોટી સંખ્યામાં પરિવારોએ મંદિરે આવીને પારણું ધરાવ્યું હતું અને માતાજીના આશીર્વાદ લીધા હતા. લોકોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા મંદિર અને મેળાના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. પોલીસે ટ્રાફિકનું પણ યોગ્ય સંચાલન કર્યું હતું જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે.


  • Follow us on: