ભાવનગરમાં સતત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં T.Y.B.A, T.Y.B.Com, M.A. PART-1/2 અને M.Com PART-1/2ની તા.18-06-2025 થી શરુ થનાર હતી.ભારે વરસાદના પગલે આ પરીક્ષા તા.23-06-2025ના રોજ લેવા અંગે નિર્ણય કરેલ છે.
ભાવનગર યુનિવર્સિટીમાં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં T.Y.B.A, T.Y.B.Com, M.A. PART-1/2 અને M.Com PART-1/2ની બાહ્ય અભ્યાસક્રમની પરીક્ષાઓ તા.18-06-2025 થી શરુ થનાર હતી, પરંતુ ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ કુલપતિ ડૉ. ભરત રામાનુજ દ્વારા આ પરીક્ષા તા.23-06-2025ના રોજ લેવા અંગે નિર્ણય કરેલ છે. પરીક્ષાના સમય અને પરીક્ષા કેન્દ્રમાં કોઈ ફેરફાર કરેલ નથી માત્ર તારીખમાં જ ફેરફાર કરેલ છે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલ સમય પત્રક અને હોલ ટીકીટ રદ્દ ગણવી, રિવાઈઝડ સમય પત્રક તથા હોલ ટિકિટ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મુકેલ છે. તેમ ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડોક્ટર ભાવેશ જાનીએ જણાવ્યું હતું.
ભાવનગર જિલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર
ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે વિદ્યાર્થીઓની સાવચેતી માટે તંત્ર દ્વારા મોટી નિર્ણય લેવામાં આવ્યો છે અને આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.અનરાધાર વરસાદને પગલે ઠેરઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ત્યારે ઘણા સ્થળોએ કોઝવે તૂટતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં મેથળા બંધારો ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. મેથળા બંધારો ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણ કે બંધ આસપાસના 13 ગામને પાણી પુરું પાડે છે.