રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જ્યારે ભુજ એપીએમસી દ્વારા પણ અગાઉથી જ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. કમોસમી વરસાદની શક્યતાને ધ્યાને રાખીને ખેડૂતોને હાલ પોતાનો માલ એપીએમસીમાં ન લાવવા માટે સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. સાથોસાથ વેપારીઓને પણ તેમનો બહાર પડેલો માલ શેડમાં રાખવા તેમજ બહાર પડેલો માલ વરસાદમાં ન પલળે તે રીતે તાડપત્રીથી ઢાંકવા માટે સૂચના આપવામાં આવી છે.
યુદ્ધની પરિસ્થતિને કારણે એક તરફ માલની આવક વધુ
એપીએમસીના ડાયરેક્ટર નવીન ગણાત્રાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈને એપીએમસી દ્વારા તમામ વેપારીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે તમારો માલ વરસાદમાં પલળે નહીં તે માટે તાડપત્રીથી ઢાંકીને રાખવામાં આવે. હાલ માર્ચ એન્ડિંગ અને સાથેસાથે યુદ્ધની પરિસ્થતિને કારણે એક તરફ માલની આવક વધુ છે, તેને કારણે માલને ઢાંકવા કે અન્ય વ્યવસ્થા કરવામાં વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. કારણ કે, વેપારીઓની સ્થિતિ હાલે માલનો નિકાલ કરી શકે તેવી નથી. કારણ કે, ઉપર તમામ માર્કેટો બંધ હાલતમાં છે. વળી, માર્ચ એન્ડિંગને કારણે માલનો નિકાલ પણ થતો નથી.
રાયડો, એરંડા, ગુવાર, ઈસબગુલની આવક
પરિણામે ખેડૂતોને પણ જાણ કરી દેવામાં આવી છે કે, હાલે તેઓ પોતાનો માલ એપીએમસી સુધી ન લઇ આવે અને અહીં જેટલો માલ આવી ચુક્યો છે તે વેપારીઓ પોતાની ફરજ સમજીને શક્ય તેટલા માલને ઢાંકવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે. હાલ એપીએમસીમાં ઘઉં, રાયડો, એરંડા, ગુવાર, ઇસબગુલની આવક થઇ રહી છે, પરંતુ હાલે યુદ્ધને કારણે માલ એક્સપોર્ટ પણ કરી શકાય તેમ નથી. એટલું જ નહીં ભાવમાં પણ હાલે અસમંજસ જેવી પરિસ્થિતિ સર્જાય છે. તેની વચ્ચે માવઠાને પગલે હવે માલને સાચવવો પણ વેપારીઓને અઘરો થઇ ગયો છે. છતાં પણ વેપારીઓ પોતાનાથી શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે.
એપીએમસીના તમામ વેપારીઓને તકેદારીના પગલાં લેવા સૂચના
ભુજ એપીએમસીના સેક્રેટરી એસ.એસ. બરાડિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદની આગાહીને પગલે પહેલાથી જ એપીએમસીના તમામ વેપારીઓને જાણ કરી દેવામાં આવી છે કે, તેમનો માલ ખુલ્લામાં ન રાખવા અને શેડમાં સુરક્ષિત રીતે મૂકવા માટે સૂચના આપવામાં આવી છે તેમજ બહાર પડેલા માલને તાડપત્રીથી ઢાંકી દેવા માટે પણ જણાવવામાં આવ્યું છે તો ખેડૂતોને પણ કમોસમી વરસાદને ધ્યાને લઈને તેમનો માલ ન લાવવા માટે સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : Bhavnagar News: સરકારી હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં, ભોજનમાંથી નીકળી ઈયળ અને રસોડામાંથી મળ્યો અખાદ્ય જથ્થો