ભુજ શહેરમાં સનસનાટી મચાવનાર સાક્ષીની હત્યાના કેસમાં પોલીસની તપાસ વધુ વેગવાન બની છે. આ કેસમાં મુખ્ય આરોપી મોહિત સાથે સંડોવાયેલા સહ-આરોપી જયેશ ઠાકોરને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે જયેશ ઠાકોરના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી શકે. મુખ્ય આરોપી મોહિત અને સહ-આરોપી જયેશ ઠાકોર બંને ગાંધીધામથી ભુજ સાક્ષીને મળવા માટે એક બાઈક પર આવ્યા હતા.


સહ આરોપી જયેશ ઠાકોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર

ત્યારબાદ કોઈ અગમ્ય કારણોસર મોહિતે છરીના ઘા ઝીંકીને સાક્ષીની હત્યા કરી હતી. હત્યા બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મોહિતની ધરપકડ કરી લીધી હતી અને હવે સહ-આરોપી જયેશ ઠાકોરને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. જયેશના રિમાન્ડ દરમિયાન પોલીસ મુખ્ય આરોપી અને તેની વચ્ચેની કડીઓ, હત્યા પાછળનો ચોક્કસ હેતુ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગેની વિગતો મેળવવાનો પ્રયાસ કરશે.

ભુજ એ-ડિવિઝન પોલીસે સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરી 

આ ઘટનાએ માત્ર ભુજ જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લામાં હાહાકાર મચાવ્યો હતો. એક યુવતીની જાહેરમાં હત્યા થવાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ભુજ એ-ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ યુવા વર્ગમાં વધી રહેલા ગુનાહિત માનસિકતાના મુદ્દા પર પણ ચિંતન કરવા માટે પ્રેર્યા છે.


  • Follow us on: