કચ્છના ભુજ શહેરમાં લાલન કોલેજ ગ્રાઉન્ડથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રૂ.503 કરોડથી વધુના 55 જેટલા વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂ.498 કરોડના ખર્ચે 52 કામનું ખાતમૂહુર્ત અને રૂ.5.79 કરોડના ખર્ચે નવનિર્મિત 03 કામોનું લોકાર્પણ થયું હતું.
વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભૂજ, અંજાર, અબડાસા, માંડવી અને રાપરના વિસ્તારોને રૂ.503 કરોડથી વધુ રકમના કાર્યોથી વિકાસની નવી દિશા મળશે. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના શહેરોને જોડતા આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણથી પ્રવાસનને વેગ,નાગરિકોની પરિવહન સુગમ બનશે એમ જણાવ્યું હતું.વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યૂઅલ એનર્જી પાર્ક કચ્છમાં આકાર પામી રહ્યો છે તે ગુજરાતને રિન્યૂએબલ એનર્જીનું હબ બનાવશે.ધોરડો રણોત્સવના કારણે ‘ઈન્ટરનેશનલ ટૂરિઝમ ડેસ્ટિનેશન’ બન્યું છે. ધોરડોના સફેદ રણને દુનિયાના ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે સ્થાન મળ્યું છે. કચ્છમાં ઉદ્યોગો અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થઈ છે.













