સમગ્ર કચ્છમાં હાલે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલઓ દ્વારા ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલા ફોર્મનું ઘરે ઘરે જઇ વિતરણ કરવામાં આવા બાદ બીએલઓ ચાર દિવસ પોતાનાં બૂથ ઉપર સવારે ૯થી ૧ બેસવાનાં છે.ત્યારે તા.૧૫ અને તા.૧૬ તારીખે બીએલઓ પોતાનાં બૂથ ઉપર બેસતા મોટી સંખ્યામાં મતદારો બૂથ ઉપર પહોંચ્યા હતા અને ફોર્મ સંદર્ભની જરૂરી માહિતી મેળવી હતી.ઘણાખરાએ એન્યુમેરેશન ફોર્મ સબમિટ કરાવી દેતાં ડિજિટલાઇઝેશનની કામગીરી પણ શરૂ કરી દેવાઇ હતી. અત્યાર સુધીમાં ૩,૧૬,૫૪૧ એન્યુમેરેશન ફોર્મનું તંત્ર દ્વારા ડિજિટલાઇઝેશન કરી દેવામાં આવ્યું છે.


મતદારોને એન્યુમેરેશન ફેર્મનું વિતરણ કરવામાં આવ્યું

આ તકે નાયબ ચૂંટણી અધિકારી વિવેક બારહટે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચનાં આદેશ મુજબ કલેક્ટર આનંદ પટેલનાં માર્ગદર્શનમાં જિલ્લાનાં વિધાનસભા વિસ્તારો અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧/૨૦૨૬ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત એન્યુમેરેશનનાં તબક્કામાં કચ્છનાં કુલ ૧,૮૪૮ મતદાન મથકોનાં બીએલઓ દ્વારા હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને જિલ્લાનાં ૧૬.૯૦ લાખ મતદારોને એન્યુમેરેશન ફેર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.

મતદારોએ એન્યુમેરેશન ફોર્મ ભરીને બીએલઓને જમા કરાવે છે

આ એન્યુમેરેશન ફોર્મ ભરવામાં મતદારોને કોઇ અગવડતા ન પડે, મુશ્કેલી પડતી હોય તો તેના માર્ગદર્શન માટે બીએલઓ ચાર દિવસ પોતાનાં બૂથ ઉપર સવારે ૯થી ૧ હાજર રહેશે. તે પૈકી તા.૧૫, ૧૬ નવેમ્બરનાં બીએલઓ પોતાનાં બૂથ ઉપર બેસતાં સારા એવા પ્રમાણમાં મતદારોએ બીએલઓની મુુલાકાત લઇ મૂંઝવતી બાબતો વિશે માર્ગદર્શન મેળવ્યું હતું તેમજ મતદારોએ એન્યુમેરેશન ફોર્મ ભરીને બીએલઓને જમા પણ કરાવી રહ્યા છે. જેનું તંત્ર દ્વારા ડિજિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૩,૧૬.૫૪૧ એન્યુમેરેશન ફોર્મનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે, જેમાં અબડાસ વિધાનસભામાં ૬૯,૨૬૯ એન્યુમેરેશન ફોર્મ, માંડવીમાં ૬૬,૩૮૪, ભુજમાં ૪૨,૯૧૮, અંજારમાં ૫૨,૬૭૬, ગાંધીધામમાં ૪૬,૭૭૫ અને રાપર વિધાનસભામાં ૩૮,૬૧૯ એન્યુમેરેશન ફોર્મનો સમાવેશ થાય છે.


  • Follow us on: