પોસ્ટ વિભાગ દ્વારા લોકોને પૂજા-અર્ચના માટે ઉપયોગી એવું ગંગાજળનું વેચાણ છેલ્લા ત્રણેક વર્ષથી કરવામાં આવી રહ્યું છે, ત્યારે લોકો પણ પૂજા-અર્ચના સહિતની ધાર્મિક પ્રવૃત્તિ સમયે ગંગાજળની જરૂરિયાત પડે તો પોસ્ટ ઓફિસમાંથી ખરીદી લેતા હોય છે તો ગ્રામ્ય કક્ષાએ રહેતા લોકો ટપાલી પાસે પણ ગંગાજળ મગાવી લેતા હોય છે. જેના કારણે પણ પોસ્ટ ઓફિસમાં અવિરતપણે ગંગાજળનું વેચાણ થતું રહે છે, ત્યારે હાલે હિન્દુઓમાં પવિત્ર ગણાતા શ્રાાવણ માસના પ્રારંભ સાથે જ ગંગાજળની માગમાં વધારો થયો છે.
પોસ્ટ ઓફિસમાં ગંગાજળની બોટલની માગમાં ભારે ઉછાળો જોવા મળ્યો
કારણ કે, અનેક શિવભક્તો વિવિધ દ્રવ્યો સાથે સમગ્ર માસ દરમ્યાન શિવલિંગ પર અભિષેક કરતા હોય છે, જેમાં ગંગાજળનો પણ અભિષેક કરવામાં આવે છે. જેના કારણે પણ હાલમાં ગંગાજળની માગમાં વધારો થયો છે. પોસ્ટ ઓફિસ દ્વારા પણ ભક્તોને પૂજા-અર્ચના માટે જરૂરી એવુ ગંગાજળનું વેચાણ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ શ્રાવણ માસને કારણે ભુજની હેડ પોસ્ટ ઓફિસમાં ગંગાજળની બોટલની માગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે પોસ્ટ ઓફિસમાં ગંગાજળની બોટલોનો સ્ટોક પણ 250 જેટલો રહ્યો છે તો લોકોની માગને પહોંચી વળવા માટે વધુ બોટલોનો સ્ટોક પણ પોસ્ટ ઓફિસર દ્વારા મગાવવામાં આવ્યો છે, જેના કારણે શિવભક્તોને સમગ્ર માસ દરમ્યાન ગંગાજળ મેળવવામાં મુશ્કેલી નહીં પડે.
રૂપિયા 30ના ભાવે 250 એમએલની ગંગાજળની બોટલનું વેચાણ
ભુજ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર યુનુસ ડેકોટાએ જણાવ્યું હતું કે, તા.25 જુલાઈને શુક્રવારથી શ્રાાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ ગંગાજળની માગમાં વધારો થયો છે. કારણ કે, શિવભક્તો શિવલિંગ પર અભિષેક માટે ગંગાજળની ખરીદી કરતાં થયા છે. માત્ર ભુજમાં જ રોજની 30થી વધુ ગંગાજળની બોટલોનું વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે પોસ્ટ ઓફિસમાં હાલ ગંગાજળની 250 બોટલનો સ્ટોક છે. લોકોની માગને પહોંચી વળવા માટે વધુ ગંગાજળ પાંચ કાર્ટુનો આવકમાં છે. જેના કારણે સમગ્ર માસ દરમ્યાન શિવભક્તોને ગંગાજળની બોટલો મળી રહેશે. પોસ્ટ વિભાગ દ્વારા હાલ રૂપિયા 30ના ભાવે 250 એમએલની ગંગાજળની બોટલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. લોકો પોસ્ટ મેનો પાસેથી પણ ગંગાજળની બોટલો મગાવતાં હોવાને કારણે તેમને પણ જરૂરિયાત મુજબનો સ્ટોક આપવામાં આવતો હોય છે. આ સિવાય જિલ્લાના તમામ તાલુકાઓની પોસ્ટ ઓફિસમાં પણ હાલ ભક્તોને ગંગાજળની બોટલો સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો પણ ભક્તો લાભ લઈ રહ્યા છે.
પોસ્ટ વિભાગ દર સોમવારે શિવ મંદિરો પાસે સ્ટોલ ઉભા કરશે
ભુજની હેડ પોસ્ટ વિભાગ દ્વારા શહેરમાં શિવભક્તોને સરળતાથી ગંગાજળની બોટલો મળી રહે તે માટે વિભાગ દ્વારા શહેરના વિવિધ શિવમંદિરોની બહાર સ્ટોલ ઉભા કરીને ગંગાજળનું વેચાણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રાાવણ માસના દર સોમવારે આ રીતે વિવિધ શિવમંદિરોની બહાર પોસ્ટ વિભાગ સ્ટોલ ઉભા કરશે. જેની શરૂઆત હમીરસર તળાવના કિનારા ઉપર આવેલા દ્વિધામેશ્વર મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસેથી કરવામાં આવશે. સોમવારે મંદિર પાસે પોસ્ટ વિભાગ ગંગાજળના વેચાણ માટે સ્ટોલ ઉભો કરશે.