ભુજ પાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઇ હતી.જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી ડૉ. અનિલ જાદવ, ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કરની હાજરીમાં ત્રિમાસિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં એપ્રિલથી જૂન દરમ્યાન રૂ.61,23,09,764.84ની ઓપનિંગ બેલેન્સ અને ગ્રાન્ટ, શિક્ષણ ઉપકર, ડિપોઝિટ સહિતની આવક રૂ.80,65,25,263.44ની સામે ખર્ચ રૂ.18,86,78,875 દર્શાવાયો છે.જુલાઇથી સપ્ટેમ્બર દરમ્યાન રૂ. 61,78,26,388.44 અને ગ્રાન્ટ, શિક્ષણ ઉપકર, ડિપોઝિટ સહિતની આવક રૂ.75,00,21,453.44 દર્શાવાઇ છે.જેની સામે ખર્ચની રકમ 17,94,19,926 દર્શાવાઇ છે.આ સિવાય સામાન્ય સભામાં 158 વિવિધ ઠરાવોને બહુમતીનાં જોરે બહાલી આપવામાં આવી હતી. જ્યારે ત્રણ પ્રમુખ સ્થાનેથી ઠરાવો કરાયા હતા.
આ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે
જેમાં શહેરનાં વોર્ડ નં.7 અને 8માં સીસી રોડ, પેવર બ્લોકનું કામ, પાલિકાની નવી ઓફિસ બિલ્ડિંગની કમ્પાઉન્ડવોલનાં કામ, એસબીએમ 1.0 અંતર્ગત લીગસી વેસ્ટ રેમેડીએશન નિકાલનાં ભાવો, કોમર્સ કોલેજ પાસેની ચેમ્બરમાંથી ગારો કાઢવા, વિવિધ વિસ્તારોમાં સાંસ્કૃતિક હોલ, બાંકડા, ડસ્ટબીન લગાવવા, રોકડેથી ખરીદાયેલ માલ સામાનનાં ચુકવણા, વરસાદમાં નુક્સાન પામેલા રસતાઓની મરામત, પા.પૂ.નાં ચંગ્લેશ્વર હેડવર્કસ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા, પાલિકાનાં જૂના વાહનો તથા અન્ય ભંગાર વસ્તુઓની હરાજી, વરસાદની સીઝનમાં મશીન ભાડે રાખવા, મિથિલા નગરી વિસ્તારમાં સ્ટ્રોમ વોટરનાં કામનાં ટેન્ડર, આરટીઓ સર્કલનું રિનોવેશન, પાલિકાની બિલ્ડિંગમાં નવા સીસીટીવી લગાવવા, નવા કનેક્શન લગાવવા, નવા ઇન્ટરનેટ કનેક્શન લગાવવા, વાહનોના ટાયર ટયુબ ખરીદવા, જૂના ફર્નિચર રિપેર કરવા, ભાવેશ્વર નગરમાં બોક્સકલ્વર્ટ બનાવવા સહિતનાં કામોનો સમાવેશ થાય છે.
વિવિધ ઠરાવોને બહાલી આપવામાં આવી
આ સિવાય પાલિકામાં પીએમસીની નિમણૂક, સીસી રોડનાં કામો, માલ-સામાનની ખરીદી અને રિપેરિંગ, ડોર ટુ ડોરની કામગીરીમાં શરત મુજબનાં ભાવ વધારવા, નવી લાઇટોની ખરીદી, પા.પૂ. કામે ટ્રાન્સફોર્મર ખરીદી, હાઇમાસ ટાવર લગાડવા, નવા પોલ ઊભા કરવાની સાથે લાઇટો લગાડવા, નવુંહાઇડ્રોલિક વાહન ખરીદવા, ધંધા રોજગાર કરવા હંગામી સ્ટોલ લગાવવા પરવાનગી સહિતનાં વિવિધ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી.
ગટર મિશ્રિત પાણીને લઇ વિપક્ષનો આકરો તેવર
વિવિધ વિસ્તારોમાં ગટર મિશ્રિાત પાણી આવતું હોવાને કારણે લોકોને પડતી મુશ્કેલી મુદ્દે વિપક્ષી નેતા કાસમ સમાએ ઉગ્ર રજૂઆત કરવાની સાથે વિવિધ વિસ્તારોમાં નળમાંથી આવતાં પાણીની બોટલો પણ ઇન્ચાર્જ ચીફ ઓફિસર સમક્ષ મૂકી પાણીને લઇને રહેવાસીઓની પરિસ્થિતિ વર્ણવી હતી. આ સિવાય વિવિધ વિસ્તારોમાં સફાઇ, ગટરની સમસ્યા બાબતે પણ પાલિકાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
જીએસટીમાં રાહત બદલ અભિનંદન પાઠવતો ઠરાવ કરાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં બચત ઉત્સવ-જીએસટીનાં દરમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, જેને કારણે કૃષિ, એમએસએમઇ, વેપાર, મહિલાઓ, યુવાનો અને મધ્યમવર્ગ સહિત વિવિધ ક્ષેત્રોને લાભ પહોંચાડવા ભારતનાં ઇકોનોમી ફાઉન્ડેશનને મજબૂત કરવા અને નાગરિકોના જીવનમાં ગુણવત્તાસભર ઉદ્ેશ્યથી જીએસટી સુધારા ડિઝાઇન કરાયા છે. જેને કારણે મધ્યમ વર્ગને મોટો ફાયદો થયો છે, જીવન નિર્વાહનો ખર્ચ ઘટશે, બચત વધશે. આ બદલ અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરાયો હતો.
ડ્રેનેજનાં પમ્પિંગ સ્ટેશનોની મોટરની કેપિસિટી વધારવામાં આવશે
સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી વિવિધ ઠરાવો કરવામાં આવ્યા તેમાં આસ્થા સ્કૂલ, મહિલા આશ્રામ ચોકડી પાસે ડ્રેનેજનું ગંદું પાણી નીકળવાની ગંભીર સમસ્યા સર્જાતા તેમજ પમ્પિંગ સ્ટેશનોની મોટરની કેપિસિટી વધારવા માટે જરૂરી માલસામાનની તાત્કાલિક ધોરણે ખરીદી કરવા, કર્મચારીઓનાં બે માસ સુધીનાં પગારનું ચુકવણુ કરવાનાં ખર્ચની મંજૂરી આપતો ઠરાવ પણ પસાર કરાયો હતો.