ભુજમાં આવતીકાલે પહેલી ડીસેમ્બરના અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ગીતા જ્યંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.જેની પૂર્વ સંધ્યાએ સમગ્ર કચ્છમાંથી વિવિધ સમાજનાં પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિશાળ ગીતાજી ગ્રંથ યાત્રા યોજવામાં આવી હતી.શહેરનાં રામધૂન મંદિરથી વાજતે-ગાજતે ગીતાગ્રંથ યાત્રા નીકળી હતી.જેમાં સમગ્ર દસ તાલુકાઓમાંથી સનાતન હિન્દુ જ્ઞાતિઓના પ્રમુખો,મહિલા મંડળના પ્રમુખો સંસ્થાઓનાં પ્રતિનિધિઓ, કારોબારી સભ્યો માથે સાફા બાંધીને જોડાયા હતાં.આ સિવાય મિરઝાપરની મહિલા બેન્ડ પાર્ટી તેમજ યુવાનોની મ્યુઝીક પાર્ટી ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ભગવદ્ ગીતાના 18 અધ્યાયની પારાયણનો પ્રારંભ
ગીતાજી ગ્રંથ યાત્રાનું ટાઉનહોલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.અહીં સર્વે હિન્દુ સમાજના પ્રમુખો અને મહિલા પ્રમુખોનું તાલુકાઓમાંથી આવેલા સાધુ-સંતો મહંતો હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્ષ અધ્યયન કેન્દ્રનાં સ્વામી પ્રદિપ્તાનંદ સરસ્વતીએ ભગવદ્ ગીતા પર પ્રવચન પણ આપ્યું હતું. જેનાં સમાપન બાદ સનાતન હિન્દુ સમાજનાં 18 વર્ણોના ભાઈ-બહેનો એક સાથે બેસીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.આવતી કાલથી ટાઉનહોલ ખાતે બપોરે 3.30 થી 6 વાગ્યા સુધી ભગવદ્ ગીતાના 18 અધ્યાયની પારાયણનો પણ પ્રારંભ કરાશે.













