ભુજના આશાપુરા મંદિરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આરતી ગ્રૂપ દ્વારા સમગ્ર મંદિર પરિસરની સાફ સફાઈ કરવાની સાથે મંદિર પરના કળશને પણ ચમકાવવામાં આવ્યા બાદ નવરાત્રિના આગલા રવિવારે પરંપરા મુજબ શહેરના સોની યુવાનો દ્વારા મંદિરના ચાંદીના સિંહાસન, છત્તરથી લઈને સોના-ચાંદીના આભૂષણો સહિતની સફાઈ કરીને નવરાત્રિ પૂર્વે જ માંની અનોખી આરાધના કરી હતી.
નવરાત્રિ દરમ્યાન મંદિરમાં દર્શન માટે માઈ ભક્તોની ભીડ વધુ જોવા મળશે
મંદિરના પુજારી જનાર્દનભાઈ દવેએ જણાવ્યું હતું કે, સોની પરિવારના 30 જેટલા યુવાનો દ્વારા છેલ્લી ત્રણ પેઢીથી નવરાત્રિ પૂર્વેમાં આશાપુરા માતાના તમામ સોના-ચાંદીના દાગીના, બારી બારણા, સિંહાસન, છત્તર સહિતની આમલી, રેતી અને અરીઠા વડે દેશી પધ્ધતિથી સાફ સફાઈ કરાઈ હતી. બાદમાં મૂર્તિઓને શણગાર, સિંદુરથી સજાવવામાં આવ્યા હતા. નવરાત્રિ દરમ્યાન મંદિરમાં દર્શન માટે માઈ ભક્તોની ભીડ વધુ જોવા મળશે. જેને ધ્યાને લઈને કાર્યકરો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવશે. પદયાત્રીઓને મંદિરના ટ્રસ્ટી સુરેશભાઈ ઠક્કરના સહયોગથી ઠંડુ પાણી, ચા અને નાસ્તાની સુવિધા પણ રાખવામાં આવશે. નવરાત્રિ દરમ્યાન ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે આરતી ગ્રૂપની ટીમ સજ્જ રહેશે. સમગ્ર મંદિર પરિસરને ભરતભાઇ ઠક્કર દ્વારા લાઇટ ડેકોરેશનથી શુશોભિત કરવામાં આવશે. નવરાત્રિને લઈને વ્યવસ્થા પૂજારી કવચ અને મારૂતિ સંભાળી રહ્યા છે. જેમાં ભુજ આશાપુરા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળનો સહયોગ મળી રહેશે.













