ભુજ સહિત સમગ્ર જિલ્લામાં શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજિયા ડુંગરની તળેટીમાં પરંપરાગત લોકમેળો યોજવામાં આવ્યો હતો, જેમાં ભુજ, માધાપર સહિત આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. વહેલી સવારે રાજ પરિવાર દ્વારા ભુજંગદેની પૂજા - અર્ચના સાથે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તમામ જ્ઞાતિના લોકોએ તળેટીમાં આવેલા ખેતરપાળ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તો નગરપાલિકાની કચેરી દ્વારા બપોર બાદ રજા જાહેર કરવામાં આવી હતી, જેને કારણે કર્મચારીઓ મેળાની મોજ માણી શકે.
લોકોએ ભુજિયા ડુંગર ઉપર ચડવાનો પણ આનંદ માણ્યો
સવારથી શરૂ થયેલો લોકમેળો મોડી સાંજ સુધી ચાલ્યો હતો. નાના - મોટા સૌકોઈએ રમકડાંની ખરીદી કરવાની સાથે સાથે ખાણીપીણીનાં સ્ટોલની જયાફત માણી હતી તો બાળકોએ ફજરફારકા સહિતની રાઇડ્સનો આનંદ માણ્યો હતો. ભુજિયા ડુંગરનાં મેળાથી જ સમગ્ર કચ્છમાં મેળાનો પ્રારંભ થતો હોઈ સ્વાભાવિક પણે જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો સવારના સમયે મોટી સંખ્યામાં લોકો નાગદેવતાનાં દર્શન માટે પહોંચ્યા હતા અને નાળિયેર વધેરીને નાગદેવતાનાં આશીર્વાદ મેળવ્યા હતા તો ઘણા ખરા લોકોએ ભુજિયા ડુંગર ઉપર ચડવાનો પણ આનંદ માણ્યો હતો. જ્યારે વડીલોએ ડુંગળની તળેટીમાં આવેલા ખેતરપાળા દાદાના મંદિર સહિતનાં આજુબાજુના દેવસ્થાનોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
નોંધનીય છે કે, રાજ પરંપરા અનુસાર રાવ દેશળજીના સમય ઈ.સ. 1785થી આજ સુધી એટલે કે 296 વર્ષથી શ્રાાવણ સુદ પાંચના નાગપંચમીનાં દિવસે ભુજંગદેવ ખેતરપાળ દાદાની મહાપૂજા, આરતી કરવામાં આવી હતી. ત્યારે પણ મોટી સંખ્યામાં રાજપરિવાર સહિતનાં લોકો જોડાયા હતા. મેળાને કારણે જામતી ભીડને ધ્યાને લઇને વહીવટી તંત્ર દ્વારા આરટીઓ સર્કલથી મંગતરામ સર્કલ સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
મહારાવ હનુવંતસિંહના માર્ગદર્શનમાં રાજવી પરંપરા અનુસાર પૂજા-અર્ચના
નાગપંચમીના પાવન અવસરે કચ્છનાં રાજવી પરિવારે ભુજિયા ડુંગર ખાતે ભુજંગદેવની પૂજનવિધિ અનુષ્ઠાન કરાયા હતા. મહારાવ હનુવંતસિંહનાં માર્ગદર્શનમાં યુવરાજ પ્રતાપસિંહજી, યુવરાણી શાલિનીદેવીજી તથા સમગ્ર પરિવારે ભુજંગદેવની પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે કૃપાલ મહારાજ, પબુભાઇ ગઢવી, મહાવીરસિંહ જાડેજા, મિલાપભાઇ ગઢવી, કમલસિંહ ઠાકુર, શૈલેન્દ્રસિંહ વાઘેલા, નિકુલ ગોર, પૂર્વ મામલતદાર અનિલભાઇ ત્રિવેદી, પરેશ ગઢવી, ભારત રાઠોડ, રસિકબા કેસરિયા, જગુભા કેસરિયા, યશપાલસિંહ વાઘેલા, હિમેન્દ્રસિંહ જાડેજા, કેશવરાજ ચુડાસમા, દુષ્યંતસિંહ જાડેજા અને ધ્રુવરાજસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.
મહારાણી પ્રીતિદેવીની સૂચનાથી તેરા ઠાકોર દ્વારા ભુજંગદેવની મહાપૂજા
મહારાણી પ્રીતિદેવીના હુકમ અનુસાર, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા, રાણી આરતી કુમારી, કુમાર હર્ષાદિત્યસિંહ, કુમારી વિશ્વેશરીબાનાં હસ્તે રાજપરંપરા મુજબ ભુજંગદેવની પૂજા- અર્ચના કરવામાં આવી હતી. જેમાં ભુજંગદાદાનાં પૂજારી રામજીભાઇ સંજોટ દ્વારા ઠાકોરને તિલક કરાયું હતું. આ તકે કુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી સહ પરિવાર, રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી, કિરીટસિંહ, વિજેશકુમાર પુંજા, સમીરભાઇ ભટ્ટ, કચ્છ ઇતિહાસ પરિષદનાં સભ્યો, ભાયાતો અને પ્રાગમહેલ દરબાર ગઢના તેમજ રણજિતવિલાનાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર પૂજનવિધિ જયેશભાઇ ઓઝા દ્વારા કરવામાં આવી હતી.