બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદથી ખાંભડા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યો છે. ત્યારે બોટાદના બરવાળામાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. રહેણાંક મકાનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દોરડા બાંધીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ચારે તરફ વરસાદી પાણી ભરાતા લોકો ફસાયા હતા.
પાણી ભરાયેલા રહેતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો
આ સિવાય શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખોડીયાર મંદિર, કોલેજ રોડમાં પાણી ભરાયા છે, ત્યારે તેને લઈને સ્થાનિકને પારાવાર મુશ્કેલી પડી રહી છે. 15 જેટલા ઝુંપડાઓમાંથી લગભગ 80 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા છે. જ્યોતિગ્રામ સર્કલ, નાગલપર દરવાજામાં પાણી ભરાયા છે. ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, જો કે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. પાણી ભરાયેલા રહેતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
ગઢડામાં વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગઢડા શહેર તેમજ સમગ્ર પંથકમાં ગત સાંજથી રાત્રિ દરમિયાન સતત વરસાદ શરૂ રહ્યો હતો. ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે મોટાભાગના નદીનાળાં, ચેકડેમો છલકાઈ જતા સતત પાણીનો પ્રવાહ શરૂ રહ્યો હતો. આ વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું છે. શ્રીકાર વરસાદના પગલે અને પાણીના સ્ત્રોત જીવંત બનતા ધરતીપુત્રોમાં આશાના સંચાર વચ્ચે આનંદની લહેર છવાઈ જવા પામી છે. ગઢડા શહેરમા ગત સાંજથી સવાર સુધીમાં સરકારી માહિતી મુજબ તેર ઈંચ (389 મીમી) વરસાદ નોંધાયો હતો.