બોટાદ જિલ્લાના રાણપુર નજીક આવેલા ઉમરાળા પાટીયા પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકઅપ વાનની ટક્કરથી એક બાઇકચાલકનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. મૃતક બાઇકચાલક ગામમાં હટાણું કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રાણપુરના ઉમરાળા ગામના પાટીયા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી પીકઅપ ગાડી સાથે તેની બાઇકનો જોરદાર અકસ્માત સર્જાયો હતો.
ઉમરાળા પાટીયા પાસે બાઇકચાલકનો અકસ્માત
ટક્કર એટલી ગંભીર હતી કે બાઇકચાલકને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘાયલ બાઇકચાલકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત સર્જનાર પીકઅપ વાન અને બાઇક બંને કબજે લીધા છે.













