બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોપાળાના તાબા હેઠળ આવતા આયુષ્માન આરોગ્ય મંદિર-નિંગાળાએ ગુણવત્તા યુક્તસેવાઓની બાબતમાં આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે આપવામાં આવતી સેવાઓનું રાષ્ટ્રીય કક્ષાના એસેસર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર-નિંગાળાના અનુક્રમે ૯૫.૪૩ ટકા મૂલ્યાંકન સાથે મોખરે રહ્યું છે.
આયુષ્માન આરોગ્ય મંદિર-નિંગાળાએ ગુણવત્તા ૯૫.૪૩ ટકા ધોરણો સર કર્યા
જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાના નેતૃત્વમાં બોટાદ જિલ્લાએ વિવિધ ક્ષેત્રે વિકાસ સાધ્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તા બાહેંધરીના ધોરણોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયાના માર્ગદર્શન અને જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફિસર ડો.બી.કે.વાગડિયાની આગેવાની હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર-નિંગાળાએ ગુણવત્તા ૯૫.૪૩ ટકા ધોરણો સર કર્યા છે.
ખોપાળાના મેડીકલ ઓફિસર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર-નિંગાળાના તમામ કર્મયોગીઓ તેમજ જિલ્લાની ટીમની ઉમદા કામગીરી રહી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ એસેસમેન્ટ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના યુનિટ એવા એન.એચ.એસ.આર.સી. ના ૨(બે) એકસ્ટ્રનલ એસેસર ડો. આદિત્ય અગ્નિહોત્રી-જયપુર (રાજસ્થાન) તેમજ દિનેશકુમાર જાન્ગીર-દિલ્હી, દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મુખની આરોગ્ય સંભાળ, આંખ અને કાન,નાક,ગળાની સામાન્ય સંભાળ, ગર્ભાવસ્થા અને બાળજન્મની સંભાળ, બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાનની આરોગ્ય સેવાઓ, દવાઓ અને નિદાન, વૃધ્ધો અને પથારીવશ લોકોની આરોગ્ય સંભાળ, ઈમરજન્સી તબીબી સેવાઓ, પરિવાર કલ્યાણ, ચેપી રોગોનું સંચાલન, માનસિક સ્વાસ્થ્ય બીમારીઓનું સંચાલન, બિનચેપી રોગોનું સંચાલન, નવજાત શિશુની આરોગ્ય સેવાઓ જેવી જુદી જુદી 12 સેવાઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ આયુષ્માન આરોગ્ય મંદિરે ગુણવત્તા બાહેંધરીના ધોરણો સર કરવામાં પ્રા.આ.કેન્દ્ર-ખોપાળાના મેડીકલ ઓફિસર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર-નિંગાળાના તમામ કર્મયોગીઓ તેમજ જિલ્લાની ટીમની ઉમદા કામગીરી રહી છે.