રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્તકાલય તથા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રે-વોટર ટ્રીટમેન્ટ પ્લાંટનું લોકાર્પણ ગુજરાત સરકારના પાણી પુરવઠા, જળ સંસાધન, અન્ન નાગરિક પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદ્-હસ્તે કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી હસ્તક રૂ. 15 લાખ અનુદાનમાંથી કરવામાં આવ્યું
નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્યની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી આ વિશિષ્ટ પુસ્તકાલયનું નિર્માણ બોટાદ જિલ્લા વહીવટી તંત્ર જોગવાઈ – જિલ્લા વિકાસ અધિકારી હસ્તક રૂ. 15 લાખ અનુદાનમાંથી કરવામાં આવ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીનો સહયોગ પ્રાપ્ત થયો છે.
અધિકારીઓ અને ધારાસભ્ય હાજર રહ્યાં
ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા (આઈએએસ), મદદનીશ ગ્રંથાલય નિયામક લલિતભાઈ મોઢ, તાલુકા વિકાસ અધિકારી હિંમતભાઈ ભુવાત્રા, જિલ્લા પંચાયત સદસ્ય વિરમભાઈ મીઠાપરા, તાલુકા ઉપપ્રમુખ પ્રવીણભાઈ બાવળીયા અને પૂર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકી, ઉમરાળા ગ્રામ પંચાયત સરપંચ અરવિંદભાઈ બાવળીયા અને તલાટી-મંત્રી એસ. કે. નત્રા, મોટી વાવડી ગ્રામ પંચાયત સરપંચ રવિરાજ ધાધલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિનુભાઈ સોલંકી, રાણપુર શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર, તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખ હરપાલસિંહ ઝાલા, શિક્ષણવિદ્ અરવિંદભાઈ ધરજીયા (ગીતાંજલિ ગૃપ), ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, પ્રકાશભાઈ સોની, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, રમેશભાઈ બદ્રેશિયા, વાલજીભાઈ પિત્રોડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
નવયુવાનો માટે સ્પર્ધાત્મક પુસ્તકોની વિશાળ શ્રેણી આ પુસ્તકાલયની વિશેષતા
ગુજરાતી ભાષા-સાહિત્યના કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, ચિંતન, લોકસાહિત્ય જેવાં વિવિધસભર વિષયોનાં 1000 જેટલાં પ્રેરણાદાયી પુસ્તકોનું સુયોગ્ય ચયન કરીને અહીં મૂકાયાં છે. મેઘાણી-સાહિત્ય કોર્નર, ગુજરાતી ભાષા-સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની ઉત્તમ કૃતિઓ તેમજ નવયુવાનો માટે સ્પર્ધાત્મક પુસ્તકોની વિશાળ શ્રેણી આ પુસ્તકાલયની વિશેષતા છે.