બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લાના મોટાભાગના માર્ગો હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં નાના-મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બોટાદમાં ખાડાઓને કારણે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહી છે, જ્યારે ભાજપ પ્રમુખ કહી રહ્યા છે કે કોંગ્રેસને માત્ર વિરોધ કરવાનું કામ છે. પરંતુ બંનેની લડાઈમાં પ્રજા પીસાઈ રહી છે.
ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય પણ વધી ગયો
શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગઢડા રોડ, ભાવનગર રોડ, પાળીયાદ રોડ અને સાળંગપુર રોડ પર પણ ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. આના કારણે વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી રહી છે, જેને લીધે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે આ ખાડાઓ દેખાતા ન હોવાથી જોખમ અનેકગણું વધી જાય છે. માર્ગોની આ ખરાબ સ્થિતિ અંગે રાજકીય નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે આ અંગે જણાવ્યું હતું કે "જિલ્લામાં સારો એવો વરસાદ પડતાં રસ્તાઓ બિસ્માર બન્યા છે તે સાચું છે. જોકે, આ અંગે તંત્રને સૂચનાઓ આપી દેવામાં આવી છે અને માર્ગોના સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે."
કામગીરી ક્યારે કરવામાં આવશે તે મોટો સવાલ?
બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયાએ જણાવ્યું હતું કે "બોટાદ જિલ્લાના રોડ-રસ્તાઓ અત્યંત બિસમાર છે. આ અંગે અમે અગાઉ પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદનપત્ર સ્વીકારવા માટે તંત્રના કોઈ અધિકારી હાજર રહેતા નથી તો કામગીરી ક્યારે કરવામાં આવશે તે મોટો સવાલ છે? અમારી માગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓ પૂરવામાં આવે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે."
તંત્ર ઝડપથી કોઈ પગલાં ભરે તે જરૂરી છે
વાહનચાલકો અને રાહદારીઓ પણ આ પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક સ્થાનિક વાહનચાલકે જણાવ્યું કે "રોજ આ ખાડાવાળા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે. વાહનોને નુકસાન થાય છે અને કમરમાં દુખાવો પણ થાય છે. તંત્ર ઝડપથી કોઈ પગલાં ભરે તે જરૂરી છે."વરસાદે વિરામ લીધો હોવા છતાં રસ્તાઓની આ દયનીય સ્થિતિ બોટાદ જિલ્લાના વિકાસ કાર્યો પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. સ્થાનિકોની માગ છે કે ચોમાસા પહેલા અથવા વરસાદના વિરામ દરમિયાન જ માર્ગોનું યોગ્ય સમારકામ કરવામાં આવે, જેથી નાગરિકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. હાલ તો ખાડાનું રાજકારણ બોટાદમાં ગરમાયું હોય તેવું જોવા મળે છે, હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આ મામલે કેટલી ઝડપથી અને અસરકારક રીતે પગલાં લેવામાં આવે છે.