બોટાદ એ.પી.એમ.સી. ખાતે રાજ્ય સરકારના જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં‘પી.એમ. કિસાન ઉત્સવ’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના ભાગરૂપે પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાના બોટાદ જિલ્લાના 63,500થીવધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 20માં હપ્તા અન્વયે રૂ. 13.81 કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી હતી.


ખેડૂતલક્ષી અનેક યોજનાઓની અમલવારી સુદ્રઢ રીતે થઈ રહી છે

કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, “અગાઉ નાના તથા સીમાંત ખેડૂતોની સ્થિતિ સારી ન હતી, દુષ્કાળ-અતિવૃષ્ટિ જેવી સ્થિતિમાં ખેડૂતોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, આર્થિક સમસ્યાના હિસાબે ખેડૂતો આગોતરૂં આયોજન કરી શકવા સક્ષમ ન હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતલક્ષી અનેક યોજનાઓની અમલવારી સુદ્રઢ રીતે થઈ રહી છે જેના પરિણામે ખેડૂતોએ હવે કોઈના પર આધારિત રહેવું પડતું નથી. સરકારે ખેડૂતોની ચિંતા કરતા પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજના અન્વયે 2-2 હજાર કરીને વર્ષ દરમિયાન કુલ 6 હજાર રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. જેથી તેઓ તેમની જરૂરિયાત અનુસાર બિયારણ વગેરે ખરીદી શકે છે.”

વડાપ્રધાને ખેડૂતોની હંમેશા ચિંતા કરી પોતાનો હાથ ખેડૂતો તરફ લંબાવી આર્થિક રીતે પગભર કર્યા છે

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, “આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી પ્રસંગે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 20મો હપ્તો જમા થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત દેશભરમાં 9.70 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 20,500 કરોડ, ગુજરાતમાં 52.16 લાખ ખેડૂતોના ખાતામાં રૂ. 1,118 કરોડ, અને બોટાદ જિલ્લામાં 63,500થી વધુ ખેડૂતો લાભાર્થીઓના ખાતામાં 20માં હપ્તા અન્વયે રૂ. 13.81 કરોડથી વધુ જમા કરવામાં આવી રહ્યા છે.જેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે. વડાપ્રધાને ખેડૂતોની હંમેશા ચિંતા કરી પોતાનો હાથ ખેડૂતો તરફ લંબાવી આર્થિક રીતે પગભર કર્યા છે.”

વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું

મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા કહ્યું હતું કે, “આપણાં જિલ્લાના મહત્તમ ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પોતાનું રજિસ્ટ્રેશન કરાવે. ફાર્મર રજિસ્ટ્રીથી અનેક ફાયદા છે, સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે.” સાથોસાથે તેમણે જિલ્લાના મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વારાણસી ખાતે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા કિસાન ઉત્સવ દિવસનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી દરમિયાન મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત વિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી યુ.જે.પટેલ દ્વારા કરવામાં આવી હતી.

નિવાસી અધિક કલેક્ટર પણ આવ્યા કાર્યક્રમમાં

કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, એપીએમસીના ચેરમેન મનહરભાઈ માતરીયા સહિતના અગ્રણીઓ તેમજ બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા, નિવાસી અધિક કલેક્ટર ભાર્ગવ પટેલ, પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી સહિતના અધિકારીઓ, જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા વિભાગ, બાગાયત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને જિલ્લા અગ્રણી મયૂરભાઈ પટેલ, પાલજીભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: