બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં આજે એક અનોખી ઘટના બની છે. ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને રાણપુરના તમામ નગરજનો અને વેપારીઓએ સ્વયંભૂ ટેકો આપી ગામને સંપૂર્ણપણે બંધ રાખ્યું છે. તલાટી-મંત્રી સાથે થયેલા અભદ્ર વ્યવહાર અને ધમકીના વિરોધમાં બંધ પાળીને સમગ્ર ગામ એક થઈને ઉભું રહ્યું છે.
બંધના એલાનને સમગ્ર ગામનો અભૂતપૂર્વ સહકાર મળ્યો
આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક સફાઈ કર્મચારીએ ગ્રામ પંચાયતના તલાટી-મંત્રી સાથે અભદ્ર વર્તન કર્યું અને તેમને ધમકી આપી. આ ઘટનાને ગંભીરતાથી લઈને ગ્રામ પંચાયતે તાત્કાલિક એક બેઠક બોલાવી અને ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તે માટે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ગ્રામ પંચાયતે સમગ્ર ગામને બંધ રાખવાનું એલાન આપ્યું હતું. ગ્રામ પંચાયતના આ એલાનને સમગ્ર ગામનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે. રાણપુરના નાના-મોટા તમામ વેપારીઓ, લારી-ગલ્લાવાળા અને દુકાનદારોએ પોતાની દુકાનો અને વ્યવસાયો બંધ રાખીને તલાટી-મંત્રીને પોતાનું સમર્થન આપ્યું છે. પોલીસ સ્ટેશન રોડ, છત્રીવાળો રોડ, અણીયાળી રોડ, હુસેની ચોક, મેઈન બજાર જેવા તમામ મુખ્ય વિસ્તારોની દુકાનો આજે દિવસભર બંધ રહી. આ બંધ શાંતિપૂર્ણ રીતે પાળવામાં આવ્યું હતું અને લોકોએ શિસ્તબદ્ધ રીતે પોતાની એકતાનો પરિચય આપ્યો છે.
ગ્રામ પંચાયતના કર્મચારીઓ સાથે આવી ઘટના ન બને તે માટે આ બંધ જરૂરી
જોકે આ ઘટનાના વિરોધમાં સફાઈ કર્મચારીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે પણ દેખાવો કર્યા હતા. આમ, એક તરફ ગામના વેપારીઓ અને નગરજનો તલાટી-મંત્રીના સમર્થનમાં હતા તો બીજી તરફ સફાઈ કર્મચારીઓ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. રાણપુરના નગરજનો અને વેપારીઓએ દર્શાવેલા આ સમર્થનથી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-મંત્રીએ તેમનો આભાર માન્યો. ગ્રામ પંચાયતના કર્મચારીઓ સાથે આવી ઘટના ન બને તે માટે આ બંધ જરૂરી હતો અને ગામ લોકોના સહકારથી આ સંદેશો મજબૂત બન્યો છે. આ ઘટનાએ સાબિત કરી દીધું કે જ્યારે ગામ પર કોઈ આંચ આવે, ત્યારે રાણપુરના લોકો એક થઈને ઉભા રહે છે.