વડોદરાનો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતાં 21 લોકોના મોત થયા છે. ગંભીરા બ્રિજ પર લટકેલા ટ્રક ડ્રાઇવર સંતોષભાઈ અને ટ્રક માલિક રમાશંકર પાલ સાથે સંદેશ ન્યુઝે વાત કરી હતી. ટ્રક માલિકે વાત કરતા જણાવ્યું કે બ્રિજ પરથી ટ્રકને હજુ હટાવાઇ નથી. અમે કલેક્ટર કચરીઓમાં ધક્કા ખાઇ રહ્યા છીએ, પાદરા મામલતદાર કહે છે કે વડોદરા જાઓ, વડોદરા કલેકટર કહે છે કે બ્રિજનો એ ભાગ આણંદમાં આવે છે. આણંદ જઈએ તો કલેકટર કહે છે કે રેસ્ક્યુ વડોદરા તરફ ચાલે છે.


ટ્રક પર અમારે 40 લાખની લોન

આ ટ્રક પર અમારે 40 લાખની લોન છે. ટ્રક પર દર મહિને 85 હજારનો હપ્તો છે. હવે અમારે હપ્તો કેવી રીતે ભરવો, ઇન્શ્યોરન્સ કંપની કહે છે કે ગાડીને નુકસાન થાય તો અમે ભરપાઈ કરીએ. ટ્રક ડ્રાઇવર સંતોષકુમારનું નિવેદન, સવારે 7.30 કલાકની આસપાસ ઘટના ઘટી હતી. 7 થી 8 જેટલાં વાહનો બ્રિજ પર હતા. 20 જેટલાં લોકો બ્રિજ પર સવાર હતા. હું તરત હેન્ડ બ્રેક મારી નીચે ઉતરી ગયો, હું નસીબદાર છું કે બચી ગયો, તંત્ર અમારી ટ્રક પાછી આપે તો રોજગારી મળે.

પોલીસે ચાર દિવસ બાદ અકસ્માતે ગુનો નોંધ્યો

પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પોલીસે ચાર દિવસ બાદ અકસ્માતે ગુનો નોંધ્યો છે. પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. ગંભીરા બ્રિજ તૂટતા 21 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. સરકારની ટીમ સાથે પોલીસ અલગથી તપાસ કરશે. પાદરા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રક અને અન્ય વાહનો એક સ્થળે એકત્ર થવા મુદ્દે પણ તપાસ હાથ ધરાઈ છે.


  • Follow us on: