ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે પાંચ ઈજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે. પાંચ પૈકી મહિલા ઇજાગ્રસ્ત સોનલબેનને હોસ્પિટલ માંથી રજા અપાઈ છે. ચાર પૈકી બે ઇજાગ્રસ્તોના ઓપરેશન હાલ ચાલી રહ્યા છે. આ ઘટનામાં ભોગ બનેલા લોકોએ આપવીતી જણાવી હતી.


 થેલીના સહારે જીવ બચાવવા અડધો કલાક ઝઝૂમ્યાં

સમગ્ર ઘટના મામલે સારવાર લઇ રહેલ નરેન્દ્ર પરમારે જણાવ્યું કે હું કંપનીમાંથી નાઈટ કરીને સવારે ઘરે પરત જઈ રહ્યો હતો. બાઈક પર હું અને મારા મિત્ર બંને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અમે બંને હવામાં તરતા તરતા નદીમાં પડ્યા હતા. નદીમાં 10 મિનિટ રહ્યા બાદ અચાનક ટ્રકમાંથી એક બોરી જેવું તણાઈને આવતા અમે બચવા તેનો સહારો લીધો હતો. પ્લાસ્ટિકની થેલીના સહારે જીવ બચાવવા અડધો કલાક ઝઝૂમ્યાં અમે. મારા સાથી મિત્રનો મૃતદેહ આજે સવારે જ નદીમાંથી મળ્યો છે.

બાઈક સાથે હું નદીમાં પડ્યો

જ્યારે અન્ય ઈજાગ્રસ્ત દિલીપસિંહ પઢિયારે જણાવ્યું કે હું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ઘટના બની હતી. બાઈક સાથે હું નદીમાં પડ્યો. કોઈ ફોર્મ જેવું તણાઈ આવતા હું તેના સહારે રહ્યો અને થાંભલા સુધી પહોંચ્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ મને બચાવ્યો છે. બાદમાં પોલીસ અને તંત્ર બંને દોડી આવ્યા હતા. વડોદરાના પાદરામાં જર્જરિત ગંભીરા બ્રિજ બુધવારે ધરાશાયી થયો હતો. આ ઘટનામાં મૃત્યુ આંક 14 થયો છે. આજે શોધખોળ દરમિયાન વધુ બે મૃતદેહો મળી આવ્યા હતાં. ગઈકાલે 13 મૃતદેહો મળ્યા હતાં. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજુ પણ મહિસાગર નદીમાં શોધખોળ ચાલુ છે. 

  • Follow us on: