વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોને સહાય ચૂકવાઈ ગઈ છે.હજી એક મૃતદેહને શોધવાની કામગીરી ચાલી રહી છે.નદીમાં કેમિકલ ભરેલું ટેન્કર હજી પડ્યું છે. અગાઉ આ ટેન્કરમાંથી સોડા એશ લીકેજ થયો હતો. પરંતુ કેમિકલ રીલિઝ થયું નથી એટલે ચિંતાની કોઈ વાત નથી. GPCBની ટીમની હાજરીમાં ટેન્કર બહાર કઢાશે. બીજી તરફ આ ઘટનામાં એક કરૂણતા બહાર આવી છે.


પરિજનો મૃતદેહ મળે તેની રાહ જોતા હતા

આ ઘટનામાં સાતમા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત છે.વિક્રમ પઢીયાર નામનો યુવાન હજુ લાપતા છે.નદીમાં અને નદીની આસપાસ તેની શોધખોળ ચાલી રહી છે.વિક્રમ પઢીયારનો મૃતદેહ નહીં મળતા તેના પરિવારે તેનું પૂતળુ બનાવીને અગ્નિ સંસ્કાર કર્યા છે. પરિજનો મૃતદેહ મળે તેની રાહ જોતા હતા.મૃતદેહ ન મળતા લાચાર પરિવારે આશા ગુમાવી હતી. આખરે પરિવારે ભારે હૈયે પૂતળું બનાવી નદી કાંઠે જ વિક્રમ પઢિયારના અગ્નિ સંસ્કાર કર્યા હતાં.

પોલીસે ચાર દિવસ બાદ અકસ્માતે ગુનો નોંધ્યો

પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પોલીસે ચાર દિવસ બાદ અકસ્માતે ગુનો નોંધ્યો છે. પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. ગંભીરા બ્રિજ તૂટતા 21 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. સરકારની ટીમ સાથે પોલીસ અલગથી તપાસ કરશે. પાદરા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રક અને અન્ય વાહનો એક સ્થળે એકત્ર થવા મુદ્દે પણ તપાસ હાથ ધરાઈ છે.


  • Follow us on: