છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી અલીપુરાની સહયોગ સોસાયટીમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 7 વર્ષની એક માસૂમ બાળકીનું ટ્રેક્ટરની અડફેટે કમકમાટીભર્યું મોત થયું છે. ઘટના સમયે બાળકી સહયોગ સોસાયટીના રસ્તા પર પોતાની સાયકલ લઈને રમી રહી હતી. આ દરમિયાન અચાનક ત્યાંથી પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલકે બેદરકારીપૂર્વક બાળકીને અડફેટે લીધી હતી.
સાયકલ લઇને રમતી બાળકીને ટ્રેક્ટરે અડફેટે લીધી
ટ્રેક્ટરની ટક્કર અને તેની અડફેટે આવી જવાથી બાળકીને ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ સોસાયટીના લોકો અને બાળકીના પરિવારજનો દોડી આવ્યા હતા. ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાં ફરજ પરના હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ દુર્ઘટનાના કારણે સમગ્ર સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.













