છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા અલીપુરા ચાર રસ્તાના ભરચક વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનું કારણ એક વિદેશી દારૂ ભરેલી કાર હતી. જે ઊભેલી ઇકો કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બોડેલીના ભરચક ગણાતા વિસ્તારમાં થયો હતો. આ અકસ્માતના કારણે અફરાતફરી મચી ગઈ હતી. વિદેશી દારૂ ભરેલી આ કારના ચાલકે કાબૂ ગુમાવતા તે રસ્તા પર ઊભેલી એક અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
દારૂ ભરેલી કાર ઇકો કાર સાથે અથડાતા અકસ્માત
આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું હતું. અકસ્માત બાદ દારૂ ભરેલી કારમાં સવાર બે શખ્સોમાંથી એક શખ્સ અકસ્માતનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે બીજા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સ પાસેથી કારમાં રહેલો વિદેશી દારૂનો જથ્થો પણ કબજે કર્યો છે. નોંધનીય છે કે આ જ વિસ્તારમાં વહેલી સવારે આંબા લોઢણ પાસે પણ વિદેશી દારૂ ભરેલી બીજી એક ગાડીનો અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી હતી.













