Chhota Udepurના નસવાડીમાં કોલસા ભરેલી ટ્રક સળગી ઉઠી, કલાકો સુધી લોકોએ આગ બુઝાવવાનો કર્યો પ્રયાસ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે મોડી સાંજે એક મોટી દુર્ઘટના બની છે. નસવાડીના કંડવા-રતનપુરા રોડ વચ્ચેથી પસાર થઈ રહેલી કોલસા ભરેલી એક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રકના વાયરિંગમાં કોઈ ખામી સર્જાતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની શરૂઆત થઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે ટ્રકમાં ભરેલો કોલસાનો જથ્થો પણ સળગવા લાગ્યો હતો.
કંડવા રતનપુરા રોડ વચ્ચે કોલસા ભરેલી ટ્રક સળગી
આગ લાગવાની ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ફાયર ફાઇટરની સુવિધાના અભાવને કારણે કલાકો સુધી ભારે હાલાકી સર્જાઈ હતી. ટ્રકમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી, રોડ પરથી પસાર થતા લોકો અને આસપાસના ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા. હિંમત દાખવીને સ્થાનિક લોકોએ નજીકના હેન્ડપંપ પરથી ડોલે-ડોલે પાણી ઉલેચીને ટ્રક પર નાખી આગ ઠારવાનો સઘન પ્રયાસ કર્યો હતો.
સ્થાનિકોએ પાણીથી આગ ઓલવવાનો કર્યો પ્રયાસ
કેટલાક લોકોએ નાના ફાયર એક્સ્ટિંગ્યુસરનો ઉપયોગ પણ કર્યો હતો. જોકે, કોલસાનો જથ્થો ભરેલો હોવાથી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો હતો. ઘટનાની જાણ થતાં નસવાડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ સંભાળીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી જાનહાનિ ટળી છે, પરંતુ ટ્રક અને કોલસાના જથ્થાને મોટું નુકસાન થયું છે.