છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહેલા આ અણધાર્યા વરસાદને કારણે જિલ્લાના ખેડૂતો ગંભીર ચિંતામાં મુકાયા છે. કારણ કે તૈયાર પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. સતત ત્રણ દિવસથી વરસાદના કારણે ખેતરોમાં ઊભેલા અને લણણી માટે તૈયાર પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તારના મુખ્ય પાકો જેવા કે ડાંગર, તુવેર, મકાઈ અને કપાસને ભારે નુકસાન થવાનો અંદાજ છે.
કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન
ખાસ કરીને જે ખેડૂતોએ ડાંગરનો પાક કાપી લીધો છે અને ખેતરમાં જ રાખેલો છે તે પલળી જવાથી ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ડાંગર પલળી જવાથી તેની ગુણવત્તા બગડી જાય છે અને બજારમાં યોગ્ય ભાવ મળતો નથી. જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. તુવેર, મકાઈ અને કપાસના પાકને પણ સતત વરસાદી ઝાપટાંથી ભારે નુકસાન થયું છે.













