છોટાઉદેપુરમાંથી એક ગંભીર અને રહસ્યમય બનાવ સામે આવ્યો છે. જેમાં બોડેલીના ધનપુર ગામના રહેવાસી યુવક નિતેશ રાઠવા તા. 25મી ઓક્ટોબરે ગુમ થયો હતો. આ 24 યુવકની શોધખોળના બે દિવસ બાદ ધનપુર ખોસ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. નિતેશ રાઠવાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. આ ઘટનાની પરિવારજનોને જાણ થતાં પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે.
25 તારીખે ગુમ થયેલા નિતેશ રાઠવાનો મૃતદેહ મળ્યો
તેમના જણાવ્યા મુજબ મૃતક નિતેશ રાઠવાનો ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તેમજ તેમણે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે 25મી ઓક્ટોબરના રોજ નિતેશ તે યુવતીને મળવા ગયો હતો. જ્યાં યુવતીના પિતાએ બંનેને જોઈ લીધા હતા. ત્યારબાદ કોઈ વિવાદ કે માથાકૂટ થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે બાદ નિતેશ અચાનક ગુમ થઈ ગયો હતો. જ્યારે આજે ધનપુર ખોસ પાસે આવેલી નર્મદા કેનાલમાંથી નિતેશનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોક અને આક્રોશનું માહોલ છવાઈ ગયો છે.













