છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક સુસ્કાલ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પેસેન્જર ભરીને જતી એક ગાડી વિદેશી દારૂનો જથ્થો પણ ભરીને જતી હતી. જ્યારે આ ગાડી પલટી ખાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. તેમજ ત્રણ લોકો ઘાયલ થયા છે. આ વાહન પેસેન્જરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યું હતું. સુસ્કાલ ગામ પાસે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી.
મુસાફરોને લઈને જતી કારમાં ભર્યો હતો વિદેશી દારૂ
અકસ્માત બાદ કારમાંથી માત્ર પેસેન્જર જ નહીં પરંતુ મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો અને એક બાઇક પણ મળી આવ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દારૂ ભરેલી આ ગાડીએ જિલ્લા LCB અને ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા ત્રણ પોલીસ સ્ટેશનની હદ વટાવીને સુસ્કાલ સુધી પહોંચી હતી.













