છોટા ઉદેપુરની જનરલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. તાજેતરમાં એક અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલના સ્ટાફની ગેરવર્તણૂક અને બેદરકારીને કારણે દર્દીના સગાઓએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનામાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવારની જરૂર હોવા છતાં તેને હોસ્પિટલમાં દોઢ કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો.


ઘાયલ યુવકને બેસાડી રખાતા હોબાળો

ઈમરજન્સી કેસ હોવા છતાં સમયસર સારવાર શરૂ ન થતાં દર્દીના સગાઓ ગુસ્સે ભરાયા હતા. દર્દીના સગાઓએ હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફ પર ફરજમાં બેદરકારી અને સંવેદનશીલતા ન દાખવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન દર્દી પીડામાં કણસતો રહ્યો પરંતુ હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ યોગ્ય પ્રતિભાવ ન મળતાં સગાઓએ આખરે હોસ્પિટલના પરિસરમાં મોટા અવાજે વિરોધ અને હોબાળો શરૂ કર્યો હતો. સગાઓ દ્વારા કરવામાં આવેલા આ જોરદાર હોબાળાને કારણે હોસ્પિટલનો સ્ટાફ સફાળો જાગ્યો હતો.

હોબાળા બાદ ડોકટરે સારવાર શરૂ કરી

પરિસ્થિતિ વણસતી જોઈને અને મામલો શાંત પાડવા માટે આખરે ડોકટરો દ્વારા ઘાયલ યુવકની સારવાર શરૂ કરવામાં આવી હતી. સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ ગણાતી જનરલ હોસ્પિટલમાં ઈમરજન્સીના કેસમાં પણ દર્દીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડે તે બાબત ગંભીર બેદરકારી સૂચવે છે. આ ઘટનાએ ફરી એકવાર છોટા ઉદેપુરની જનરલ હોસ્પિટલની વ્યવસ્થા અને કાર્યપ્રણાલી પર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોએ હોસ્પિટલ તંત્ર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.


  • Follow us on: