છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખડકલા ગામે એક અત્યંત કમકમાટીભરી ઘટના સામે આવી છે. જ્યાં બાઇકની ચાવી જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક પૌત્રએ પોતાના દાદાની લાકડીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ગામમાં કાકા અને ભત્રીજા વચ્ચે બાઇકની ચાવી રાખવા બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો વધી ગયો કે તે બોલાચાલીમાંથી મારામારી સુધી પહોંચી ગયો.
બાઈકની ચાવી બાબતે થયો હતો ઝઘડો
પરિવારના સભ્યોએ જ્યારે આ ઝઘડો થતો જોયો ત્યારે મૃતક દાદા વચ્ચે પડીને બંનેને શાંત પાડવાનો અને ઝઘડો થતો અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે ઝઘડામાં આંધળો બનેલો પૌત્રે આવેશમાં આવીને દાદા પર લાકડી વડે હુમલો કરી દીધો હતો. પૌત્ર દ્વારા માથામાં લાકડીનો જોરદાર ઘા ઝીંકવામાં આવતા દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ કરુણ ઘટના બાદ આરોપી પૌત્ર કાનજી ભીલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.













